લોકડાઉન લંબાતા કારીગરો ચાલીને જૂનાગઢ જવા નીકળ્યા : વગર મંજૂરીએ નીકળેલા કારીગરો પોલીસ કે તંત્રને ધ્યાને ન આવ્યા!! ટંકારા :કચ્છના કારીગરો પગપાળા જૂનાગઢ જવા નીકળ્યા બાદ ટંકારા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ટૂંકું રોકાણ પણ કર્યું છે. જો કે આ કારીગરો છેક અહીં સુધી પહોંચી જતા ચેક પોસ્ટની કામગીરી ઉપર અનેક વેધક સવાલો ઉભા થયા છે. અંજાર અને ગાંધીધામની કંપનીઓમાં કામ કરતા 25 જેટલા કારીગરો ચાલીને ટંકારા પહોંચ્યા હતા. જેઓને આ અંગે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે કુલ 25 કારીગરો અલગ અલગ ટીમમાં ચાલીને જૂનાગઢ જવા રવાના થયા હતા. જેમાંથી અત્યારે 10 કારીગરો ટંકારા પહોંચ્યા છે. તેઓએ લોકડાઉન ખુલવાની રાહ જોઈ હતી. પરંતુ લોકડાઉન લંબાતા અંતે તેઓએ મામલતદાર પાસે જૂનાગઢ જવાની મંજૂરી માંગી હતી. પણ આ મંજૂરી ન મળતા તેઓ ચાલીને નિકળી ગયા હતા.