પોલીસે ગુનો નોંધી તપાસ આદરી : લોકડાઉનની સ્થિતિમાં પ્રવાસ કરવા માટે અજમાવેલા ગુનાહિત કૃત્યથી તંત્ર પણ દંગ રહી ગયું ટંકારા : મોરબીથી અમદાવાદનો ઈમરજન્સી પાસ ઇસ્યુ કરીને ટ્રાવેલિંગ કરતા ત્રણ શખ્સો ઝડપાયા છે. આ ત્રણેય શખ્સો સામે નાયબ મામલતદારની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના અર્જુન સવજીભાઈ સીતાપરાએ કલેકટરની સહી સિક્કા વાળા દસ્તાવેજોના આધારે મોરબીથી અમદાવાદનો બોગસ ઇમરજન્સી પાસ ઇસ્યુ કર્યો હતો. આ પાસના આધારે તેઓની સાથે પ્રયાગ શાંતિલાલ અદ્રોજા, મિહિર રમેશભાઈ રૈયાણી પણ જોડાયા હતા. અને આ તમામ લોકો અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તંત્રએ તેઓને ઝડપી પાડી પોલીસને સોંપ્યા છે. આ બોગસ પાસ મોરબી મામલતદારના નામથી ઇસ્યુ થયો હોય મોરબી નાયબ મામલતદાર શરદકુમાર જેરામભાઈ ઠુમમરે આ મામલે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.