મોરબી નજીક 3, હળવદ નજીક 1, ટંકારા નજીક 1 અને માળીયા નજીક 1 તેમજ પીપળીયા ચાર રસ્તા પાસે 1 અને નવલખી બંદર પાસે 1 હોટલને શરતોને આધીન પરમિશન અપાઈ મોરબી : મોરબીમાં માલવાહક વાહનોના ડ્રાઇવર અને ક્લીનરો માટે હાઇવે ઉપર આવેલી 8 હોટેલોને ચાલુ કરવાની જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જિલ્લા કલેકટરે હોટેલ સંચાલકોને હોટેલને સંપૂર્ણ સેનિટાઈઝ કરવી, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું તેમજ માસ્ક- સેનિટાઈઝરની સુવિધા ઉપલબ્ધ કરાવા સહિતની સૂચનાઓ પણ આપી છે. મોરબી જિલ્લામાં માલવાહક વાહનોની અવર જવરને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે માલવાહક વાહનો માટે આવશ્યક એવી ઓટો ગેરેજ, સ્પેરપાર્ટ્સ, પંક્ચર અને રહેવા જમવા માટે ઢાબા- હોટેલ શરૂ કરવાની સૂચના આપવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા ડ્રાઇવર અને ક્લીનરોની સરળતા માટે હાઇવે ઉપર આવેલ 8 હોટેલોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોરબી નજીક શનાળા પાસે આવેલા નાઈટ લાઈફ કાફે, સામાંકાંઠે હાઇવે પર આવેલી ગુરુકૃપા હોટલ, ટીમ્બડીના પાટિયા પાસે આવેલી ધ ફર્ન હોટલ, તેમજ ટંકારા નજીક આવેલી ખજૂરા હોટલ અને માળીયા નજીક હળવદ-અમદાવાદ હાઇવે પર આવેલી ક્રિષ્ના હોટલ તેમજ હળવદ નજીક આવેલી હોટેલ ક્રિષ્ના અને નવલખી બંદર પાસે આવેલી જેકેટી હોટલ તેમજ પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા ક્રિષ્ના ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટને શરતોને આધીન ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી છે. આ તમામ હોટેલ સંચાલકોને કલેકટર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે હોટેલમાં માલવાહક વાહનોના ડ્રાઇવર તથા તેની સાથેના એક વ્યક્તિને વ્યાજબી કિંમતે સુવિધા પૂરી પાડવાની રહેશે. હોટેલને સેનિટાઈઝ કરી માસ્ક- સેનિટાઈઝર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. આ સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ગ્રાહકોને જરૂરી અંતર રાખીને બેસાડવા જણાવાયુ છે. જોકે કલેકટર તંત્ર દ્વારા હાઇવે પર માલવાહક ટ્રકો માટે મંજૂરી અપાયેલ હોટલમાં અમુક લકઝરી કેટેગરીની હોટલનો સમાવેશ થતો હોવાથી તંત્રની મંજૂરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠયા છે. કે શું ટ્રકના ડ્રાયવર કે ક્લીનર લકઝરી હોટલમાં રહેવા કે જમવા જશે ? ત્યારે હોટલની મંજૂરી માટેની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.