રાહતના ભોજન માટે લાઈનમાં ઉભા રહેવા માટેની માથાકૂટમાં બે શખ્સોએ હુમલો કર્યો હતો : હત્યાની કલમ ઉમેરાઈ મોરબી : મોરબીના પાડાપુલ નીચે થોડા દિવસો પહેલા લોકડાઉન વચ્ચે સેવાભાવીઓ દ્વારા ગરીબોને પીરસાતા ભોજન માટે લાઈનમાં ઉભા રહેવા મામલે ડખ્ખો થયા બાદ ઉશ્કેરાયેલા બે શખ્સોએ એક શ્રમિક પર ખૂની હુમલો કર્યો હતો. આ શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આ બન્ને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી બન્નેને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના પાડાપુલ નીચે નદીના પટ્ટમાં ઝુંપડા બાંધીને રહેતા લોકોને વિવિધ સેવાભાવીઓ દ્વારા લોકડાઉનમાં અન્નદાન પૂરું પાડવામાં આવે છે. દરમિયાન થોડા દિવસો પહેલા સેવાભાવીઓ દ્વારા પાડાપુલ નીચે નદીમાં ઝુંપડા બાંધીને રહેતા લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તે વખતે લાઈનમાં ઉભા રહેવા મામલે શ્રમિકો વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા જીતેન ભગવાનજીભાઈ રાઠોડ અને ગોવિદ નારણ રાઠોડે માનસિંગ કુંવરિયાભાઈ મૈડા ઉ.વ.50 ઉપર ધોકાથી હુમલો કર્યો હતો. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા માનસિંગભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. અગાઉ મૃતકના પત્નીએ બે શખ્સો સામે જે ખૂની હુમલાની ફરિયાદ નોંધાવી હતી. તેમાં બી ડિવિઝન પોલીસે હત્યાની કલમ ઉમેરીને બન્ને આરોપીની ધરપકડ કરી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/