મોરબી : આજે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનનો સમય આગામી 3 મે સુધી કરવાની જાહેરાત કરી છે. તેમજ લોકડાઉનની સફળતા માટે આવશ્યક કામ સિવાય બહાર ના નીકળીને ઘરમાં જ રહેવાની ખાસ અપીલ કરી છે. ત્યારે મોરબીના સુવરીયા પરિવારે પાંચ મહિનાની પુત્રીના ફોટોગ્રાફ્સ થકી 'ઘરે રહો, સુરક્ષિત રહો.'નો સંદેશો મોરબીવાસીઓને અનોખી શૈલીમાં પાઠવ્યો છે. મોરબીના રવાપર રોડ પર પટેલનગરમાં આવેલ શિવાય એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશભાઈ સુવરીયાની દીકરી કાવ્યાના જન્મને પાંચ મહિના પૂર્ણ થયા છે. તેની ઉજવણી નિમિત્તે 'STAY HOME, STAY SAFE' સૂત્રના દરેક લેટરની આકૃતિ બને તે મુજબના કાવ્યાના ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં આવ્યા છે. તે દરેક ફોટોગ્રાફ્સને જોડીને એક ફોટોગ્રાફ બનાવી કોરોનાના સંક્રમણથી રક્ષણ મેળવવા માટે લોકો ઘરે જ રહે, તેવો સંદેશો આપવામાં આવ્યો છે. આમ, સુવરીયા પરિવારે પુત્રીના ફોટોગ્રાફ્સથી લોકોને અનોખી શૈલીમાં સંદેશો આપી પુત્રીના જન્મને પાંચ મહિના પૂર્ણ થવાની ઉજવણી કરી છે.