સરકારી શાળાઓના ગુરુજનોની સાચી ફરજ નિષ્ઠા : રાશનની દુકાનેથી રાશન સ્વખર્ચે શાળા સુધી લઇ વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી વિદ્યાર્થીઓને તેમનો હક્ક આપ્યો મોરબી : કોરોનાના કહેર વચ્ચે શાળામાં ભણતા બાળકોને શાળાએ અપાતું મધ્યાહન ભોજન ભલે રાંધીને અપાતું ન હોય પરંતુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવતું તેમના હકનું રાશન તેમના સુધી પહોંચાડવાનું બીડું શાળાના શિક્ષકોએ જ ઝડપી લીધુ છે. વાત કરીએ ટંકારાની તો ટંકારાની સરકારી શાળાઓમાં ૩૮૮૫ કુમાર તથા ૩૫૯૪ કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી શાળાએ મધ્યાહન ભોજનની વ્યવસ્થા બંધ છે પરંતુ આ શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષકો દ્વારા ફુડ સિક્યુરિટી બિલ હેઠળ તેમનું રાશન શિક્ષકોએ સ્વખર્ચે પહોંચાડી ગુરુ તરીકેની સાચી નિષ્ઠા દર્શાવી છે. ટંકારા તાલુકાની ગુજરાતી સરકારી શાળામાં ભણતા બાળકોને ફુડ સિક્યુરિટી બિલ અનુસાર તારીખ ૩૦-૩-૨૦૨૦ થી ૧૪-૪-૨૦૨૦ સુધીના રજા સિવાયના કુલ દિવસો ૧૦ માટે જે મધ્યાન ભોજન બંધ રહેલ તેના વળતર રૂપે ધોરણ ૧ થી ૫ માટે ૫૦૦ ગ્રામ ઘઉં અને ૫૦૦ ગ્રામ ચોખા તથા ધોરણ ૬ થી ૮ માટે ૭૫૦ ગ્રામ ઘઉં અને ૭૫૦ ગ્રામ ચોખા શાળા કક્ષાએથી જ વિતરણ કરવાનું નક્કી કરાયું હતું. અગાઉ નક્કી થયા મુજબ ટંકારા તાલુકાની તમામ સરકારી શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓ સસ્તા અનાજની દુકાનેથી પોતાના ખર્ચે પોતાની શાળા સુધી અનાજ લાવી શાળા કક્ષાએ મધ્યાન ભોજન સંચાલક તથા શાળાના શિક્ષકો મળીને ૫૦૦ ગ્રામના તથા ૭૫૦ ગ્રામ ના પેકેટ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓને આપવના પેકેટ તૈયાર થતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળાએ બોલાવી શાળાએથી જ સામાજિક અંતર રાખી અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. ટંકારા ગામમાં આવેલ શ્રી ટંકારા કન્યાશાળાની કુલ ૨૬૦ કન્યાઓને અને શ્રી ટંકારા કુમાર તાલુકા શાળાના કુલ ૧૯૪ બાળકોને તથા શ્રી ગાયત્રી નગર તાલુકા શાળાના કુમાર ૨૬૪ તથા કન્યા ૨૪૦ મળી કુલ ૫૦૪ બાળકોના અનાજ વિતરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટંકારા તાલુકામાં આ દરેક શાળાના આચાર્યો તથા શિક્ષકશ્રીઓ દ્વારા પોતાની શાળાએથી જ વાલીઓને હેરાન ન થાય તે રીતે અનાજ વિતરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.