પોલીસ સાથે રહીને સતત લોકડાઉન અમલ માટે ખડેપગે રહેતા જીઆરડી જવાનોના પગાર ન થતા ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું મોરબી : મોરબી જિલ્લામાં હાલ પોલીસ સાથે ખભેખભા મિલાવીને જીઆરડીના જવાનો લોકડાઉનના અમલ માટે સતત ખડેપગે રહીને ફરજ બજાવી રહ્યા છે. પણ આવા કપરાકાળમાં પણ ઉમદા ફરજનિષ્ઠા બજાવતા જીઆરડી જવાનોની કમનસીબી એ છે કે તેમના ત્રણ માસથી પગાર થયા નથી. આથી જીઆરડીના જવાનો મુશ્કેલીમા મુકાય ગયા છે. મોરબી જિલ્લામાં લોકડાઉનના અમલ માટે પોલીસની સાથે જીઆરડીના જવાનો સતત ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે. જોકે આ જીઆરડીના જવાનો સામાન્ય દિવસોમાં અન્ય જગ્યાએ દિવસે નોકરી કરતા હોય અને રાત્રે જીઆરડી તરીકે ફરજ બજાવતા હોય છે. પણ લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ છે. બીજીબાજુ લોકડાઉન માટે હાલ આ જીઆરડીના જવાનોની લોકડાઉનના અમલ માટે સતત ફરજ બજાવી રહ્યા છે. એટલે તેમને ઘરનું ગુજરાન ચલાવવા માટે જીઆરડી તરીકેના પગાર ઉપર નિર્ભર રહેવું પડે છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે, આ જીઆરડીના જવાનોના ત્રણ માસથી પગાર થયા જ નથી. મોરબી જિલ્લામાં 818 જીઆરડી જવાનો છે. જેમાં 723 જીઆરડી અને 40 એસઆરડી અને 2 મહિલા જીઆરડી આખા જિલ્લામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. પણ આ લોકોને ત્રણ માસથી પગાર ન મળતા આવા કપરા કાળમાં ઘરનું ગુજરાન ચલાવવા મુશ્કેલીઓ પડી રહી છે. આ બાબતે જીઆરડી પીએસઆઇ ડાંગરે જણાવ્યું હતું કે, જીઆરડીના પગારની ગ્રાન્ટ માટે ઉપર રજુઆત કરી છે અને એસપી સાથે પણ ચર્ચા કરી હતી. ટુક સમયમાં ગ્રાન્ટ આવી જશે અને જીઆરડીનો ત્રણ માસનો પગાર ચૂકવી દેવાશે. હાલ વર્ષ એન્ડીગ હોય પગારની ગ્રાન્ટ અવવામાં વિલંબ થયો છે.