સિવીલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સ્ટાફની સેફટીના નામે મીંડું : તાત્કાલિક પગલાં લેવાની ઉઠતી માંગ ( જનક રાજા દ્વારા) મોરબી : મોરબી જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ ના ઈમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર, નર્સીંગ ઓફિસર તેમજ સર્વન્ટની કોઈ જ સેફટી નથી. કોરોનાના શંકાસ્પદ દર્દીઓ આવે તો સીધા ઈમરજન્સી વોર્ડમાં લઈ જવાતા હોય જેને ચેક-અપ કરવા, બ્લડ સેમ્પલ લેવાની કામગીરી કરવાની હોય છે. જેથી તેઓ દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવતા હોવા છતાં ઈમરજન્સી વોર્ડ માં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર, નર્સીંગ ઓફિસર, હોય કે સર્વન્ટ હોય તેમને કોઈ પણ પ્રકારની કીટ, તેમજ એન-95 માસ્ક આપવામાં આવ્યા નથી. તો આવી જ સ્થિતિ શરદી-ઉધરસ માટે કાર્યરત કરેલ નવી ઓપીડીમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર તેમજ સ્ટાફ ને કીટ, તેમજ એન-95 માસ્ક ફાળવવામાં આવેલ નથી. કોરોના માટે સ્પે. મોરબી સિવીલ હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેના ડ્રાઈવર માટે કીટ, સહિતની સુવિધાઓ અપાઈ છે. પણ મેડીકલ ઓફિસર, નર્સીંગ ઓફિસર, કે સર્વન્ટ માટે કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. હાલની કોરોના સામેની લડાઈમાં આરોગ્ય કર્મચારીઓ સૈનિક તરીકે ફરજ બચાવી રહ્યા છે. જો યુદ્ધમાં સૈનિક પાસે સેફટીના સાધનો જ ન હોય તો યુદ્ધ કેવી રીતે જીતી શકાય તે મોટો પ્રશ્ન છે. બીજી બાજુ સેફટીના સાધનો વગર આરોગ્ય કર્મચારીઓ જો કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા તો ખૂબ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થશે તે નક્કી છે.