મોરબી : મોરબી શહેરમાં એક યુવકે માવો લેવા જવાની ના કહેતા તેના જ મિત્રો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો. જેથી, યુવકને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની યુવકે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા દિવ્યરાજસિંહ કિરીટસિંહ જાડેજા (ઉ.વ. 18) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે કે કાલી ઉર્ફે મનોજે તેની સાથે માવો લેવા જવા બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો અને કાલીએ તેને લોખંડનો પાઈપ પણ માર્યો હતો. તેમજ તેના મિત્ર કાનાએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. હાલમાં ભોગ બનેલા દિવ્યરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.