આરોગ્ય, મહેસુલી તંત્ર અને પોલીસનું સયુંકત ચેકીંગ : શહેરમાં પ્રવેશતા તમામ લોકોની નોંધણી સાથે આરોગ્યની તપાસ બાદ જ શહેરમાં પ્રવેશ મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો કેસ પોઝિટિવ આવતા જ તંત્ર સતર્ક બન્યું છે ત્યારે હવે મોરબીમાં અન્યત્રથી કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિનો પ્રવેશ ન થાય એ માટે શહેરમાં પ્રવેશવાના મુખ્ય ચાર માર્ગો પર વિવિધ ચાર સરકારી તંત્રની ટીમ દ્વારા 3 પાળીમાં રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. મોરબીથી નજીક આવેલા રાજકોટ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રાતોરાત ઉછાળો આવતા મોરબી શહેરમાં અન્યત્રથી કોઈ કોરોના સંક્રમિત દર્દી પ્રવેશી ન જાય એ માટેની તકેદારી લેવાનું શરૂ થયું છે. જિલ્લા કલેકટરના દિશાનિર્દેશ મુજબ આરોગ્યની ટીમ, જિલ્લા વહીવટી તંત્ર, મહેસુલી તંત્ર તથા પોલીસ તંત્ર એમ કુલ મળી 4 વિવિધ તંત્રની સહાયતા વડે 8-8 કલાકની 3 પાળી મુજબ 24 કલાક મોરબીમાં પ્રવેશવાના ચાર મુખ્ય માર્ગો પર આરોગ્ય સહિતનું ચેકીંગ આજે સવારથી શરૂ કરવામાં આવ્યું છે. જે મુજબ મહેન્દ્રનગર ચોકડી, નવલખી ફાટક, રવાપર ચોકડી તેમજ ઉમિયા સર્કલ પર ખાસ ટીમો ખડેપગે રાખવામાં આવી છે. મોરબીમાં પ્રવેશતા તમામ લોકોનું ખાસ કરીને ટેમ્પરેચર ચેક કરાય છે તેમજ શંકાસ્પદ લોકોનું અન્ય ટેસ્ટિંગ પણ કરાય છે. દરેકના નામની નોંધણી પણ કરવામાં આવી રહી છે. જો કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો ત્યાંથી સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે જે તે વ્યક્તિને વધુ તપાસ અર્થે એમ્બ્યુલન્સમાં મોકલી દેવામાં આવે છે. આજે સવારથી જ ઉમિયા સર્કલે આ કામગીરી અંતર્ગત 250થી વધુ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી એક વ્યક્તિને ટેમ્પરેચર વધુ હોવાથી એમ્બ્યુલ્સ મારફતે સિવિલ હોસ્પિટલે મોકલવામાં આવ્યો હતો. ખાસ કરી મોરબી બહારથી આવતા દરેક વ્યક્તિની સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરી આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/