દંપતીએ મિત્ર સર્કલની મદદથી જાતે જ ઘરે રાશન કીટ તૈયાર કરીને શ્રમજીવી વિસ્તારોમાં વિતરણ કર્યું મોરબી : મોરબીમાં દરેક સંસ્થાઓ અને અસંખ્ય સેવાભાવી લોકો લોકડાઉનમાં કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ ભૂખ્યો ન રહી જાય તે માટે અવિરતપણે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. ખાસ કરીને સામાન્ય વર્ગનું દંપતી પણ જરૂરિયાત મંદોની વહારે આવ્યું છે.પોતાનાથી બનતી તમામ મદદ કરવાની આ દંપતીએ નેમ લેતા તેમના આ સેવાકાર્યમાં એમના મિત્ર સર્કલે પણ પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યું હતું. આ રીતે સામાન્ય વર્ગના દંપતીએ રાશન કિટનું જરૂરિયાત મંદોને વિતરણ કર્યું હતું. મોરબીના સામાકાંઠે રહેતા સામાન્ય વર્ગના દંપતી પ્રભાબેન મકવાણા અને જેસિંગભાઈ મકવાણાએ પણ લોકડાઉનમાં રોજનું કમાઈને રળી ખાતા મજૂરોને પોતાનાથી બનતી રીતે મદદરૂપ થવા આગળ આવ્યા હતા. પ્રભાબેન અગાઈ TRB માં ફરજ બજાવતા હતા. હાલ તેઓ પ્રાઇવેટ નોકરી કરે છે. જ્યારે તેમના પતિ જેસિંગભાઈ હાલ TRB માં ફરજ બજાવે છે. આ દંપતી સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ જ્યાં રહે છે તે ગાંધી, જવાહર સોસાયટી, બૌદ્ધનગર, જીવરાજ પાર્કમાં મોટાભાગના લોકો મજૂરો કામ કરે છે અને રોજનું કમાઈને રળી ખાઈ છે ત્યારે લોકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ થતાં ઉપરથી રેશનિંગ વસ્તુઓથી પણ વંચિત રહી જતા મુશ્કેલીઓમાં મુકાયા હતા. આથી, આ દંપતીએ પોતાની સામાન્ય આવક છતાં પણ તેમના વિસ્તારના શ્રમિકો ભૂખ્યા ન રહી જાય એ માટે સેવાકાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. તેમના આ સેવાકાર્યમાં મિત્ર સર્કલ, પરિચિતો અને વેપારીઓ સહિતનાએ આર્થિક યોગદાન આપ્યું હતું. જેમાંથી દંપતીએ પહેલા વિધવા મહિલાને બાદમાં આ વિસ્તારોના 120 જેટલા શ્રમિકોને 8 થી 10 દિવસ ચાલે તેટલી રાશન કીટ આપી હતી. આ દંપતીએ પોતાની રીતે બનતી આર્થિક મદદથી ઘરે જ રાશન કીટ તૈયાર કરી હતી. તેમજ આ સેવાયજ્ઞમાં શુભલક્ષમી પેકેજીંગના કિશનભાઈ, ધવલભાઈ પટેલ સાહિતનાઓ આર્થિક રીતે મદદરૂપ થયા હતા.