લોકડાઉનમાં ભુખ્યાજનોને પાડાપુલ નીચે ભોજનની સામગ્રી પીરસતી વખતે શ્રમિકોમાં ડખ્ખો થયો : બે શખ્સો સામે 307 કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબી : મોરબીના પાડાપૂલ નીચે ગઈકાલે શુક્રવારે સેવાભાવીઓ લોકડાઉનમાં ભુખ્યાજનોને ભોજનની સામગ્રી આપવા ગયા હતા. તે વખતે જમવાનું લેવામાં લાઈનમાં ઉભા રહેવા મામલે શ્રમિકો વચ્ચે ડખ્ખો થયો હતો અને બે શખ્સોએ એક શ્રમિક ઉપર ખૂની હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. મોરબીના પાડાપુલ નીચે ઝુંપડા બાંધીને રહેતા આદિવાસી શ્રમિક મહિલા કમલાબેન માનસિંગભાઈ મૈડાએ ત્યાં જ ઝુંપડામાં રહેતા અન્ય બે શ્રમિકો જીતેન ભગવાનજી મારવાડી અને ગોવિદ નારણ મારવાડી સામે મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે હાલમાં લોકડાઉન ચાલતું હોય પાડાપુલ નીચે ઝૂંપટપટ્ટીમાં રહેતા ગરીબ શ્રમિકો ભૂખ્યા ન રહી જાય તે માટે જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો અહીંયા રાહતનું રસોડું ચલાવે છે અને દરરોજ સેવાભાવીઓ પાડાપુલ નીચે ઝૂંપટપટ્ટીમાં ભોજનની સામગ્રીનું વિતરણ કરવા આવે છે. તે દરમિયાન ગઈકાલે શુક્રવારે પણ સેવાભાવીઓ ભોજનની સામગ્રીનું અહીં વિતરણ કરવા આવ્યા હતા. અને આ જમવાનું લેવા માટે લાઈનમાં ઉભા રહેવામાં ફરિયાદીના પતિ માનસિંગભાઈ કુંવરિયાભાઈ મૈડાને બન્ને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી, ઉશ્કેરાયેલા બન્ને આરોપીઓએ ફરિયાદીના પતિ ઉપર ધોકાથી હુમલો કર્યો હતો. આ ખૂની હુમલામાં ફરિયાદીના પતિ ગંભીર રીતે ઘવાતા તેમને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે બન્ને શખ્સો સામે કલમ 307 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/