સાવચેતીના ભાગરૂપે શહેરમાં કોઈને પણ બિનજરૂરી પ્રવેશ નહિ અપાઈ : ચાર સ્થળોએ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટીમાં જવાનો રહેશે ખડેપગે મોરબી : મોરબીમાં કોરોનાને અટકાવવા જિલ્લા કલેકટર દ્વારા શહેરના ચાર પ્રવેશદ્વારો ઉપર આરોગ્ય, રેવન્યુ અને પોલીસની વિજિલન્સ ટિમો ગોઠવી દીધી છે. જેથી જવે મોરબીમાં પ્રવેશવું અઘરૂ બની જશે. અને લોકોને બિનજરૂરી આવતા અટકાવી દેવામાં આવશે. ઉપરાંત ઓથોરાઇઝડ લોકોને પણ ડોકટરો દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવશે ત્યારબાદ જ પ્રવેશવા દેવામાં આવશે. મોરબીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બીજી બાજુ રાજકોટમાં કોરોનાના કેસો સતત વધતા જઈ રહ્યા છે. જેથી શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં શહેરની મહેન્દ્રનગર ચોકડી, નવલખી ચોકડી, ઉમિયા સર્કલ અને રવાપર કેનાલ ચોકડી આ ચારેય સ્થળોએ 24 કલાક માટે ચેક પોસ્ટ ઉભી કરી વિજિલન્સ ટીમોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં પોલીસ અને રેવન્યુ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે. કોઈ પણ વ્યક્તિને બીનઅધિકૃત રીતે પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ. યોગ્ય કારણસર પરવાનગી સાથે આવેલા લોકોને આરોગ્ય તપાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આ કામગીરી માટે કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં કામ કરશે અને તેની રેન્ડમ ચકાસણી કરવાની કામગીરી મામલતદારને સોંપવામાં આવી છે. જોકે મોરબીમાં બહારના લોકોને પ્રવેશતા અટકાવવા માટે ચાર જ ચેકપોસ્ટ ઓછી કહેવાય. તંત્ર દ્વારા અન્ય મુખ્ય રસ્તાઓ પર પણ વધુ આવી ચેકપોસ્ટ ઉભી કરવી જરૂરી છે. જેથી આ બાબતે તંત્રએ યોગ્ય વધુ પગલાં ભરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.