મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સામાન્ય, મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની ફી માફ કરવા અંગે ટ્વિટર થકી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના એ કહેર વર્તાવ્યો છે. તે બાબતે હાલમાં ગુજરાત સહિત આખા ભારતમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગ તેમજ ગરીબ પરિવારના ધંધા રોજગાર આ લોકડાઉનના કારણે હાલ બંધ છે. મધ્યમ વર્ગ તેમજ રોજેરોજનું કમાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉપરોક્ત લોકોના પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા પરિવારોના વિદ્યાર્થીઓની બહુ જ ઊંચી ફી લઇ રહ્યા છે. વધુમાં, રજુઆતમાં જણાવેલ છે કે હાલમાં લોકડાઉનના કારણે તમામના ધંધા રોજગાર બંધ છે. આવનારા દિવસોમાં પણ ધંધા રોજગાર માટે સમય માગી લેશે. ત્યારે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી એક વર્ષ માટે માફ કરવા પરિપત્ર બહાર પાડવાની અથવા તો પ્રાઇવેટ સ્કૂલ વાળા પાસેથી મધ્યમ વર્ગ સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની માહિતી લઈ સરકાર આ વિધાર્થીઓને રાહત આપવાની માંગણી કરવામાં આવી છે.