મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા શ્રમિકો, સેવાભાવી સંસ્થાઓ સહીતના પ્રશ્નોની જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોરોના મહામારી સામે મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યરત છે. તેમાં જાગૃત નાગરિકો દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યો છે. તેમજ આ સમય કોરોનાનું સંક્રમણ ના વધે એ માટે જાગૃતિ કેળવવાનો છે. હાલમાં લોકડાઉનનો ગાળો વધે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે નીચે મુજબના પ્રશ્નો અંગે વહીવટી તંત્ર સમયસર વધુ કાર્યરત બને તેવી અપેક્ષા સાથે નીચે મુજબના પ્રશ્નોની ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. 1. રોજનું કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો, નાના ધંધાદારીઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ નિયમિત રહે તે માટે સમતોલપણું અને સર્વગ્રાહી, સમાનતા સાથે ગરીબોનું આર્થિક પોષણ થાય તેમ કરવાની જરૂરિયાત છે. 2. મોરબી-માળીયા (મી.)માં નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવેલી છે. તેમાંથી ખેડૂતોને રવિ પાર્ક માટે સિંચાઈનું પાણી મળી રહે તેમ કરવાની આવશ્યકતા છે. 3. ખેડૂતોની ખેત પેદાશ ખેતરથી બજાર સુધી લાવવામાં અગવડરૂપ અવરોધ દૂર કરી ખેડૂતોની ખેતપેદાશોને પોષણક્ષમ ભાવો મળે તે રીતે વેચાણ માટે તંત્ર કાર્યરત રહે તેવી જરૂર છે. 4. મોરબી નગરપાલિકા વિસ્તારમાં વોંકળાની સફાઈની કામગીરી થકી સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્રદૂર્ષણ ફેલાતું અટકે તે માટે તાબડતોડ કામગીરી કરવી અનિવાર્ય છે. 5. હવે ઉનાળાનો પ્રારંભ થઇ રહ્યો છે તેવા સમયે ગામડાઓમાંથી પીવાના પાણીની ફરિયાદો આવવાની ચાલુ થઈ ગઈ છે. કોરોનાના લીધે શહેરી વિસ્તારની વસ્તી ગામડામાં ઉમટી છે. એટલે પીવાના પાણીની જરૂરિયાત પણ વધી રહી છે. તે માટે દરેક ગામને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં સમયસર મળતું રહે તેવો એકશન પ્લાન ઘડી તેનો અમલ થાય તેવા પગલા લેવા જરૂરી છે. 6. મોરબીની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાનવીરો ઉદારતાપૂર્વક જે સખાવત કરીને લોકોને જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડવા કાર્યરત છે. એમાં યોગ્ય સંકલન કરીને જરૂરિયાતમંદ લોકો સુધી આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ સમયસર પૂરતી માત્રામાં પહોંચી શકે તે માટે વહીવટી તંત્ર વધુ કાર્યશીલ બને તેવી અપીલ છે. 7. સસ્તા અનાજની દુકાનેથી લોકોને જરૂરી રાશન સમયસર, પૂરતું અને ગુણવત્તાવાળું મળી રહે તેમ કરવું આવશ્યક છે.