ઇન્દોરમાં ફરજ બજાવી રહેલા આર્મીમેન તંત્ર અને પ્રજાને મદદરૂપ થવા આગળ આવ્યા મોરબી : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે મોરબીના એક આર્મીમેન હાલ રજા ઉપર હોય તેઓએ જિલ્લા કલેકટરને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે મારા લાયક કઈ પણ સેવા હોય હું તૈયાર છું. બસ હુકમ કરો. હાલ કોરોનાના પગલે અમલમાં આવેલા લોકડાઉનને ચુસ્ત બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે. આ દરમિયાન મોરબીના સામાંકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા આર્મીમેન પ્રવીણસિંહ ઝાલા કે જેઓ ઇન્દોર ફરજ બજાવે છે.અને હાલ તેઓ એપ્રિલ માસ સુધીની રજા પર છે. તેઓએ જિલ્લા કલેકટરને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં તંત્ર ખડેપગે ફરજ બજાવી રહ્યું છે. ત્યારે એક સૈનિક તરીકે હું પણ આ કપરી પરિસ્થિતિમાં મારી ફરજ નિભાવવા માંગુ છું. વધુમાં તેઓએ કહ્યું કે હાલ હું આર્મીમાં એપ્રિલ માસ સુધીની રજા ઉપર છું. તો આ દરમિયાન તંત્રને મારા લાયક કઈ પણ સેવાની જરૂર પડે તો હું એ સેવા ગર્વભેર કરવા માટે તત્પર છું.