ભક્તોએ ઘેર બેઠા કર્યું પુજન : શહેરમાં આવેલ હનુમાનજીના મંદિરો ખાતે માત્ર સંતોએ કરી આરતી : ભાવિકોએ સોશિયલ મીડિયાથી આરતીના દર્શન નિહાળ્યા હળવદ : ગઈકાલે વિક્રમ શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતી. આ પાવન દિવસે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. કહેવાય છે કે ભગવાન શિવે પોતાના અગિયારમાં રુદ્રના અવતારમાં હનુમાનજી મહારાજ બનીને જન્મ લીધો હતો. ગઈકાલે ખાસ કરીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ચિત્રા નક્ષત્રના યોગ વચ્ચે હનુમાન જયંતિ મનાવાઇ હતી. પ્રવર્તમાન સમયમાં કોરાની મહામારી ભારત સહિત વિશ્વભરમાં ફેલાઇ રહી છે ત્યારે આ મહામારીમાંથી મુક્તિ મેળવવા આ પાવન દિવસે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ મંદિરો બંધ હોવાથી ભાવિકોએ ઘરે બેઠા હનુમાનજી મહારાજની પૂજા ઉપાસના અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ત્યારે ખાસ કરીને હળવદમાં આવેલ કંસારી હનુમાનજી મંદિર, રાતકડી હનુમાનજી મંદિર, મકારી હનુમાનજી મંદિર સહિતના મંદિરો પર સંતો એ જ આરતી ઉતારી હતી. જોકે ઘણા હનુમાનજી મંદિર ખાતેથી સોશિયલ મીડિયાના માધ્યમથી આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેનો ભક્તોએ ઘેર બેઠા દર્શનનો લાભ લીધો હતો. સાથે જ હળવદના હરિભક્તોએ વિશ્વ કલ્યાણ અર્થે પવનપુત્ર હનુમાનજીને પ્રાર્થના કરી હતી.