હોમ હવન, બટુક ભોજન સહિતના કાર્યક્રમો રદ મોરબી : મોરબીમાં પવનપુત્ર હનુમાનજીની જન્મ જ્યંતીની ઉજવણીમાં લોકડાઉનનો ભંગ ન થાય તેની સવિશેષ કાળજી લઈને લોકોએ ઘરેબેઠા જ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઠેરઠેર હનુમાનજીના મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણીના બટુક ભોજન, સંતવાણી, હોમ હવન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ભીડનું જોખમ ટાળવા રદ કરી દેવામાં આવ્યા હતા. મોરબીમાં લોકડાઉનનો ભંગ ન થાય તે માટે આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરીએ શેરીએ આવેલા હનુમાનજી મંદિરોમાં એકદમ સાદાઈપૂર્વક હનુમાનજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાનજી મંદિર, લાતી પ્લોટમાં આવેલ મણીધર હનુમાનજી મંદિર, શનાળા રોડ પરની અનેક સોસાયટીઓ તેમજ રવાપર રોડ પરની દરેક સોસાયટીઓ, નવા હાઉસિંગ બોર્ડ, જુના બસ સ્ટેન્ડ વિસ્તાર, પરા બજાર, ગ્રીન ચોક અંદરની શેરી ગલીઓમાં, દરબાર ગઢ પાસે, પારેખ શેરી, મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર, ઉપરાંત સામાકાંઠે રોટરી, રિલીફ, જન કલ્યાણ નગર, વર્ધમાન નગર, વિધુત નગર, અરુણોદય નગર, વેજીટેબલ માર્કેટ રોડ પરના વિસ્તારો, સો ઓરડીમાં ગોકુળના બાલા હનુમાનજી મંદિર, ચામુંડા નગર, વરિયા નગર, માળીયા વનળિયા સહિતની શહેરના દરેક વિસ્તારો શેરી ગલીઓ અને દરેક ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ હનુમાનજી મંદિરોમાં આજે માત્ર બે-ત્રણ સ્થાનિક ભાવિકો દ્વારા માત્ર નાળિયેર વધેરી પ્રસાદ ચડાવીને પૂજા અર્ચના કરી હનુમાનજીની જન્મ જ્યંતીની એકદમ સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભીડ ન થાય તે માટે દરેક હનુમાનજી મંદિરોમાં વર્ષોથી હનુમાન જ્યંતીએ યોજાતા ધાર્મિક સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના લોકોએ ઘરે જ હનુમાન જયંતિની ઉજવણી કરીને સમગ્ર વિશ્વને કોરોનાના સંકટમાંથી હેમખેમ ઉગારવાની પ્રાર્થના કરી હતી.