અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના ૩૪૮૮ લાભાર્થીઓને એક માસની નિ:શુલ્ક રાશનકીટ આપવામાં આવશે મોરબી : કોરોના સંક્રમણને રોકવા માટે મોરબી જિલ્લામાં પણ લોકડાઉનનો અમલ ચાલુ છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ કેટેગરીના રાશન કાર્ડ ધરાવતા પરિવારોને રાશન આપવામાં આવ્યું હતું પરંતુ જિલ્લામાં જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય કોઇ પુરાવા ન હોય અને અત્યંત ગરીબ-નિરાધાર, ઘર અને કુંટુંબવિહોણા છે તેવા લાભાર્થીઓને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત રાશન મળી રહે તે માટે ઓળખ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ૮૩૩ કુંટુંબોના ૩૪૮૮ લોકોને એપ્રીલ મહિના માટે પ્રતિ વ્યક્તિ નિ:શુલ્ક ‘ફુડ બાસ્કેટ’ - રાશનકીટ આપવામાં આવશે. જિલ્લા પૂરવઠા અધિકારશ્રી એચ.જી.પટેલે જણાવ્યું હતું કે, અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત આ ફુડ બાસ્કેટમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું જેવી આવશ્યક વસ્તુઓ આપવામાં આવશે. જેમાં પ્રતિવ્યક્તિ ઘઉં ૩.૫ કિલો, ચોખા ૧.૫ કિલો, દાળ ૧ કિલો, ખાંડ ૧ કિલો, મીઠું ૧ કિલો એમ રાશન કીટ આપવામાં આવશે. વધુમાં ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લામાં લાભાર્થીના સભ્યોને અન્ન બ્રહ્મ યોજનાનો લાભ મળવાનો છે તેમાં મોરબી તાલુકામાં ૨૧૯૭, વાકાંનેર તાલુકામાં ૨૩૯, ટંકારામાં ૧૦૪, માળીયા (મીં) ૯૯, હળવદ તાલુકામાં ૮૪૯ને આ યોજના અંતર્ગત રાશન કીટ આપવામાં આવશે. અન્ન બ્રહ્મ યોજનામાં પારદર્શક્તા જળવાય એ રીતે પ્રાથમિક રીતે તલાટી મંત્રી કક્ષાએ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. પરિવારની રૂબરૂ મુલાકાત સમયે તેમની પાસેથી આધાર કાર્ડનો નંબર માંગવામાં આવ્યો હતો. જે આધાર નંબર ના હોય તો પરિવારના અન્ય સભ્યોના નામો લેવામાં આવ્યા હતા. એના આધારે ઓનલાઇન તપાસ કરી જેતે વ્યક્તિ પાસે ખરેખર રાશન કાર્ડ છે કે નહી? તેની ખરાઇ કરવામાં આવી છે. જેમકે, કોઇ પરિવાર અહીં મોરબીમાં છે અને એનું રાશન કાર્ડ અન્ય જિલ્લામાં બોલતું હોય તો તેમાં ઓનલાઇન એન્ટ્રી કરી દેવામાં આવે છે.