કોરોના લોકડાઉનના વિકટ સંજોગોમાં જિલ્લા પેન્શન ચુકવણા કચેરી તથા જિલ્લા તિજોરી કચેરી દ્વારા કરવામાં આવી પ્રશંસનીય કામગીરી મોરબી : હિસાબી વર્ષના અંતિમ મહિનાની કામગીરી ને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા તિજોરી કચેરીને અને જિલ્લા પેન્શન ચુકવણા કચેરીને નિવૃત્ત લોકોને નાણાંકીય મુશ્કેલી ના પડે તેમજ પગારની ચુકવણી સહિતની નાણાંકીય વ્યવસ્થાઓ સચવાય તે માટે કોરોના લોકડાઉન દરમિયાન ઉચિત વ્યવસ્થા અન્વયે કામગીરી ચાલુ રાખવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા. જિલ્લા પેન્શન ચુકવણા અધિકારી બી.કે.પાઘડાળ જણાવ્યું કે કોરોના કટોકટીના વિકટ સંજોગોમાં રોટેશન હેઠળ મોડે સુધી કામ કરીને તેમની કચેરીએ ૫૫૦૦ થી વધુ પેન્શનરોને માર્ચ મહિનાના પેન્શનની સમયસર ચુકવણી કરી છે. આ નિષ્ઠાસભર કામગીરીને સમસ્ત પેન્શન મંડળોએ પણ બિરદાવી છે. તેમણે જણાવ્યું કે લોકડાઉન ને લીધે પેન્શનની ચુકવણી ખોરવાય નહિ એ માટે અમે જરૂર પ્રમાણે સ્ટાફને બોલાવી કામગીરી સમયસર પૂરી કરવાનું આયોજન કર્યું હતું. તેમણે હાલના સંજોગોમાં પેન્શનરો કોઈ ખૂબ અગત્યની બાબત સિવાય પેન્શન કચેરીમાં રૂબરૂ આવવાનું ટાળે એવી અપીલ કરી છે. હિસાબી વર્ષના અંતનો માર્ચ મહિનો હોય જિલ્લા તિજોરી કચેરીએ પણ કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે સુઆયોજિત રીતે વ્યાપક કામગીરી કરી હતી. આ અંગે વિગતો આપતા વરિષ્ઠ જિલ્લા તિજોરી અધિકારી બી.કે.પાઘડાળ એ જણાવ્યું કે આખા માર્ચ મહિના દરમિયાન ૨૨૪૧ બિલ સ્વીકારીને તેની સામે રૂ. ૨૬૦ કરોડની ચુકવણી કરી હતી. આમ, મર્યાદિત સ્ટાફ હોવા છતાં હિસાબી વર્ષના અંતની વ્યાપક કામગીરી સમુચિત રીતે પૂરી કરી છે. હાલમાં જરૂરી સ્ટાફને હાજર રાખીને હિસાબો મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે.