ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કપરા સમયે પ્રજાની વ્હારે આવ્યા : હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની પણ સુવિધા મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ કોરોનાનો એક કેસ પોઝિટિવ આવી ગયો હોય આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આવા કપરા સમયે શહેરની જાણીતી ક્રિષ્ના હોસ્પિટલનાં સંચાલકોએ માનવતાવાદી નિર્ણય લીધો છે. સંચાલકોએ જાહેર કર્યું છે કે જરૂર પડ્યે આખી હોસ્પિટલ સ્ટાફ સાથે કોરોનાની સારવાર માટે આપી દેવામાં આવશે. મોરબીમાં આવેલ ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ 102 બેડની ક્ષમતા ધરાવે છે. જેમાં 24 કલાક દરેક વિભાગના નિષ્ણાંત ડોક્ટરો સેવા આપે છે. તાજેતરમાં રાજકોટ મેડિકલ કોલેજમાંથી એક મેડિકલ નિષ્ણાંત ટીમ સર્વે માટે આવેલ. જેમાં મોરબીની તમામ પ્રાઇવેટ મોટી હોસ્પિટલોનું ડબલ્યુ.એચ.ઓ.(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ની ગાઈડ લાઈન પ્રમાણે સર્વાંગી મુલ્યાંકન થયેલ જેમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સૌથી સારી અને મોટી અને સૌથી સારી સુવિધા ધરાવતી હોસ્પિટલ છે તેવું સિલેક્શન થયેલ. આ હોસ્પિટલના માલીક ડોક્ટર ભરત કૈલા તેમજ ડોક્ટર વિનોદ કૈલાએ સમગ્ર ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે મોરબી જિલ્લાની જનતાને સુપ્રત કરેલ છે અને સરકારને સારવાર માટે આપવા સહમતી જણાવેલ છે.કટોકટીના આવા સમયે કોઈ પણ વ્યક્તિ કોરોના થી દુર જ ભાગે આવા સમયે દેશની સાચી સેવાના આશયથી જન સેવા એજ પ્રભુ સેવા એવા મહાન હેતુથી આ હોસ્પિટલ કોરોના માટે આપેલ છે. હોસ્પિટલના માલિકે પોતાના આ નિર્ણયથી પોતાને થતું નુકસાન તેમજ પોતાનુ અને હોસ્પિટલમાં ડોકટર તેમજ અન્ય સ્ટાફનું જાનનું પણ ખૂબ જોખમ હોય વિગેરે ઘણી બધી બાબતોની નુકસાની ભોગવવી પડશે, જેની પરવા કર્યા વિના હોસ્પિટલ સોંપવી સરાહનીય કાર્ય છે. સરકારના આદેશ મુજબ કોરોનાની અત્યારની પરિસ્થિતિ મુજબ સરકારી હોસ્પિટલમાં કોરોના માટે આઇસોલેશન વિભાગ તેમજ સારવાર માટેની વ્યવસ્થા કરેલ છે, ભવિષ્યમાં કોરોનાની મહામારી વધે અને ખૂબ જ દર્દીઓ આવે તો ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનો સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવશે ત્યાં સુધી ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલના તમામ વિભાગો જેવા કે ઓર્થોપેડિક,સર્જીકલ, બાળકોના વિભાગ, એમ ડી વિભાગ જેવા તમામ વિભાગ રાબેતા મુજબ ચાલુ રહેશે.