રાજકોટની શિવ હોસ્પિટલમાં બીજી વિઝીટ દરમિયાન કોરોનાના લક્ષણો દેખાતા તુરંત જ સિવિલના આઇસોલેશન વોર્ડમાં સ્વીફ્ટ કરાયા હતા મોરબી : મોરબીના કોરોનાગ્રસ્ત દર્દીને 10 દિવસથી શરદી, તાવ અને ઉધરસ હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેઓએ રાજકોટમાં કરણપરામાં આવેલ શિવ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં બીજી વિઝીટ દરમિયાન તેઓને કોરોનાના લક્ષણો દેખાતા તુરંત જ તેઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોરબીના ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ આધેડ ઉ.વ.52ને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. ત્યારે આ મામલે મોરબી અપડેટ દ્વારા તેમના પત્ની સાથે વાત કરતા તેમના પત્નીએ જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા 10થી 15 દિવસથી શરદી, ઉધરસ અને તાવ હતા. જેથી ગત તા. 27 માર્ચના રોજ તેઓ રાજકોટના કરણપરામાં આવેલી શિવ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. જ્યાં ડો. તુષાર દવે દ્વારા તેઓનું નિદાન કરીને દવાઓ આપવામાં આવી હતી. અને એક અઠવાડિયા પછી તેઓને ફરી નિદાન માટે આવવાનું કહેવામાં આવ્યું હતું. અને તેઓ ત્યાર બાદ 3 એપ્રિલએ ફરીથી રાજકોટ શિવ હોસ્પિટલે બતાવા ગયા હતા. જ્યાંથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલે મોકલાયા હતા. વધુમાં 'મોરબી અપડેટે' રાજકોટના કરણપરામા આવેલ શિવ હોસ્પિટલના ડો. તુષાર દવે સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોરબીના આધેડ પ્રથમ તા. 27 માર્ચે આવ્યા હતા. તેમને રૂટિન શરદી ઉધરસ હોવાથી તેમને અઠવાડિયાની દવા આપી ફરીથી એક સપ્તાહ બાદ બતાવવા આવાનું જણાવ્યું હતું. જેથી તેઓ ફરીથી ત્યારબાદ તા.3 એપ્રિલના રોજ નિદાન અર્થે આવ્યા હતા. તા. 3 એપ્રિલના રોજ તેમને અહીંથી પાર્થ ઇમેજીન સેન્ટરમાં એક્સરે માટે મોકલ્યા હતા. અને તેમનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને તુરંત જ રાજકોટ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ હોસ્પિટલમાં તેઓ આવ્યા હોય કોઈને અહીં ચેપ લાગ્યો હોવાનું ધ્યાને આવ્યું નથી. સામાન્ય રીતે હોસ્પિટલમાં સ્ટાફને કોઈ દર્દીનો ચેપ ન લાગે તેની પુરી કાળજી રાખવામાં આવે છે. આ ઉપરાંત સુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબીના કોરોનાગ્રસ્ત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી હજુ જાહેર થઈ નથી. પરંતુ તેઓની અન્ય રાજ્યની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાની પ્રબળ સંભાવના હોવાની પુરી શકયતા વ્યક્ત કરાઈ રહી છે.