બન્ને એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ અંદર પહોંચાડાશે, બહાર નીકળવા પર પ્રતિબંધ : વહીવટી, આરોગ્ય અને પાલિકા તંત્રના અધિકારીઓ ઉતર્યા ફિલ્ડમાં મોરબી : મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી, આરોગ્ય અને પાલિકા તંત્રના અધિકારીઓ ઉતર્યા ફિલ્ડમાં ઉતર્યા છે. ઉમા ટાઉનશીપના ગીતાંજલી અને વૈભવ એપાર્ટમેન્ટને લોક કરી દેવામાં આવ્યા છે. જેથી હવે અહી રહેતા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અંદર પહોંચાડવામાં આવશે અને બહાર જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે. મોરબીના ઉમા ટાઉનશીપના ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષના એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. બીજી બાજુ મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા તમામ સરકારી વિભાગો હરકતમાં આવ્યા છે. આ કોરોનાગ્રસ્ત દર્દી જ્યાં રહે છે ત્યાં ગીતાંજલી એપાર્ટમેન્ટ પાસે ડે. કલેકટર ખાચર, મામલતદાર જાડેજા, આરોગ્ય અધિકારી ડો.કતીરા, ડો.વારેવડીયા, એલસીબી પીઆઇ જાડેજા, બી ડિવિઝન પીઆઇ ગઢવી તેેેમજ પાલિકા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ ઉમા ટાઉનશીપના ગીતાંજલી અને વૈભવ એપાર્ટમેન્ટને લોક કરી દેવામાં આવ્યા છે.જેથી ત્યાંના સ્થાનિકોની બહારની અવર જવર ઉપર રોક લાગી જાશે. વધુમાં તેઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અંદર જ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત તંત્ર દ્વારા આ વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવનાર છે.અને અહીં રહેતા લોકોને જો શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાશે તો તેઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે. મોરબીના કોરોનાગ્રસ્ત આધેડની હાલ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તેઓને કોરોનાનો ચેપ લાગ્યો ક્યાંથી તે મામલે હાલ તંત્ર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.