જરૂરી કામ સિવાય બહાર ન નીકળતા, પોલીસ તમારા માટે જ છે જેથી સહકાર આપજો : રેન્જ આઈજી સંદીપ સિંઘની જાહેર અપીલ મોરબી : રેન્જ આઈજી સંદીપ સિંઘ આજે મોરબીની ઓચિંતી મુલાકાતે પધાર્યા હતા. તેઓએ શહેરના વિવિધ વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું હતું. બાદમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે પોલીસની પીઠ પણ થાબડી હતી. વધુમાં તેઓએ લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તથા પોલીસને સહકાર આપવા માટે અપીલ કરી હતી. હાલ લોકડાઉનની અમલવારી માટે પોલીસ તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે. આ દરમિયાન આજે રેન્જ આઈજી સંદીપ સિંઘ મોરબીની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં લોકડાઉનની ચુસ્ત રીતે અમલવારી થઈ રહી છે. જે નિહાળીને તેઓને આનંદ થયો છે. મોરબી પોલીસે લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના 187 કેસો કર્યા છે. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનની મદદથી પણ 51 કેસો કરવામાં આવ્યા છે. 1039 જેટલા વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 7 સેલ્ટરહોમમાં રહેલી સુવિધાની ચકાસણી પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 49 જેટલા નાકા પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે તેઓ રાજકોટથી મોરબી આવ્યા તે દરમિયાન નિહાળ્યું કે ગુડ્ઝ વહિકલના જ મુવમેન્ટ છે. શહેરમાં નહેરુચોક છે ત્યાં ગ્લોસરી, બેંક તેમજ હોસ્પિટલો આવેલી છે. માટે ત્યાં ટ્રાફિક જોવા મળ્યો હતો. જે અંગે એસપી સાથે ચર્ચા કરીને ટ્રાફિક ન થાય તેવા પગલાં લેવામાં આવશે.