મોરબી : કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને લઈને હાલમાં દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. ગઈકાલે તા. 2ના રોજ લોકડાઉનના નવમાં દિવસે રામનવમીનો તહેવાર હતો. ત્યારે મોરબીમાં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાથી સાવચેતીના પગલાં રૂપે જાહેર કરાયેલા લોકડાઉનનું પાલન કરીને સમૂહમાં એકઠા થયા વિના ઘરે દીપ પ્રગટાવી રામનવમીની ભાવભેર ઉજવણી કરી હતી. મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી રહીશો દ્વારા ઘરમાં દરરોજ સાંજે સંધ્યા આરતી કરવામાં આવતી હતી. તેમજ ગઈકાલે રામનવમી નિમિત્તે સાંજે 7-30 વાગ્યે ઘરે-ઘરે નવ દિપક પ્રગટાવીને મહા આરતી કરી હતી. આમ, રહીશોએ સોશિયલ ડીસટન્સ જાળવીને ઘરના આંગણામાં-બાલકનીમાં આરતી ઉતારી પ્રભુ શ્રી રામના જન્મના વધામણાં કર્યા હતા. તેમજ અવધ-4 સોસાયટીના સ્થાનિકોએ પણ ઘર આંગણે દિવા પ્રગટાવી ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવ્યો હતો. મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ સુવિધા એપાર્ટમેન્ટના મહિલા મંડળના બહેનો એ રામનવમીના પવિત્ર તહેવારે સાંજે 7:30 વાગ્યે ભગવાન શ્રી રામચંદ્રની આરતી ઉતારી રામનવમી ધામધુમથી ઉજવેલ હતી. તેમજ આરતીની સાથે ફ્લેટના લોકોએ થાળી, શંખ વગેરે વગાડીને ભક્તિનો નાદ ગૂંજતો કર્યો હતો. તેમજ કોરોના વાયરસ નામનો દૈત્ય જલ્દીથી નાશ પામે અને લોકોને તેના સામે રક્ષણ મળે, તેવી મંડળના આગેવાનો અંજુબેન, લાભુબેન, મીનાબેન, રસીલાબેન સહિતના લોકોએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી.