ઇમરજન્સી કેસોમાં લાભાર્થીઓને યોજનાનો લાભ આપવાની સરકારે સૂચના આપી મોરબી : રાજ્યભરમાં હાલ ચાલી રહેલા લોકડાઉન દરમિયાન મા વાત્સલ્ય યોજના લાભાર્થીઓને અગવડતા ન પડે તે માટે રાજ્ય અસરકારક નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામાં આવકના દાખલાની મુદત વધારીને ઇમરજન્સી કેસમાં આ યોજનાના લાભાર્થીઓને લાભ આપવાની રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પરિપત્ર પાઠવીને સૂચના આપી છે. ગાંધીનગર ખાતેના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના કમિશનરે રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પરિપત્ર પઠાવીને જણાવ્યું હતું કે આયુષમાંન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા માં વત્સલ્ય યોજના નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક રૂ. 5 લાખ સુધીની આવકમાં આરોગ્ય કવચ પૂરું પાડવાનું નક્કી કરાયું છે. મુખ્યમંત્રી માં અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ વાર્ષીક રૂ.4 લાખ કે તેથી ઓછી આવકના દાખલાના આધારે લાભાર્થી કુટુંબોને કાર્ડ આપવામાં આવે છે. ત્યારે હાલમાં રાજ્ય સરકારની સૂચના મુજબ આવકના દાખલાની મર્યાદાના આધારે આ કાર્ડની વેલીડિટી 3 વર્ષ સુધીની રાખી છે. ચાલુ વર્ષમાં તા.31 માર્ચના રોજ આવકના દાખલાની વેલીડિટી પૂર્ણ થતાં 6,90 ,294 કાર્ડ બ્લોક થઈ જશે. જો આમ થશે તો ગરીબ લાભાર્થીઓને સારવાર લેવામાં મુશ્કેલી પડશે. ત્યારે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ આવકના દાખલાની વેલીડિટી, મુદત 31 માર્ચથી ત્રણ મહિના એટલે 30 જૂન 2020 સુધી લંબાવવામાં આવી છે.ત્યારબાદ લાભાર્થીઓને આવકનો દાખલો રીન્યુ કરવાનો રહેશે. અને ત્યારબાદ જ કાર્ડ એક્ટિવ થઈ શકશે.વધુમાં આયુષમાંન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા માં વત્સલ્ય યોજનાના હેઠળ તા. 30 એપ્રિલ સુધીમાં કોઈપણ લાભાર્થીઓને ઇમરજન્સી સેવાની જરૂરિયાત પડે તો આ યોજના હેઠળ જોડાયેલી તમામ હોસ્પિટલોએ આ સુવિધાઓ આપવાની તાકીદ કરાઈ છે.