મોરબી : કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પગલે કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓ મુશ્કેલીઓમાં મુકાઇ ગયાની રજુઆત કરાઈ છે. જેમાં મંદિરો અને ધાર્મિક કાર્યક્રમો બંધ થતાં કર્મકાંડ કરીને ગુજરાન ચલાવતા કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓ નિસહાય બની ગયા છે. આથી તેમને જરૂર પૂરતી તમામ સહાય કરવા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. પરશુરામ યુવા ગ્રુપ - મોરબીના પ્રમુખ કેયુરભાઈ પંડ્યાએ રાજ્યનાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી હતી કે, ભારત દેશ અને ગુજરાત રાજ્ય પર કોરોના વાયરસની આફત ત્રાટકી પડી છે. જેને લડત આપવા ૨૧ દિવસ સુધી સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવેલ છે. સાથે ગુજરાત ભરના તમામ ધાર્મિક મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાં કર્મકાંડ અને પૂજાપાઠ કરીને પોતાનું ગુજરાન ચલાવતો બ્રાહ્મણ સંપૂર્ણ નિસહાય બની રહ્યો છે. કર્મકાંડ કરતા બ્રાહ્મણો પણ પોતાનું ગુજરાન પ્રતિદિન કમાઈ ને જ ચલાવે છે અને અત્યારની પરિસ્થિતિમાં તેની સંપૂર્ણ આવક મંદિર કે સામાજિક પ્રસંગ પર નિર્ભર હોવાના કારણે બંધ થઇ ગયેલ છે. જેના કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને સહાય કરવા તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પ્રાપ્ત થાય એ માટે રાજ્યનાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પત્ર લખીને રજુઆત કરાઈ છે.