(જનક રાજા દ્વારા) મોરબી : લોકડાઉન સામાજિક અંતર જાળવી રાખવા માટે લાગુ કરાયું છે. લોકો એક બીજાથી ફીઝીકલ અંતર જાળવે એ લોકડાઉનનો ઉદ્દેશ હોવા છતાં લોકોના મગજમાં એ વાત ઉતરતી નથી. સમગ્ર સરકારી તંત્ર સખ્ત લોકડાઉન કરવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યું છે ત્યારે મોરબી સરકારી હોસ્પિટલમાં જ આ નિયમ-વ્યવસ્થાનો સરેઆમ ઉલાળીયો થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ કોરોનાના હાહાકાર વચ્ચે ઋતુગત અન્ય બીમારીઓ પણ ફેલાઈ રહી છે. મોરબી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેઓના પરિજનોની ખાસી અવર-જવર રહે છે. ત્યારે દવા લેવા માટેની બારીઓ પર અંતર જાળવ્યા વગર જ લોકો લાઈન લગાવીને ઉભા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનોની બહાર ગોળ નિશાન કરીને લોકોને એકબીજાથી દૂર રાખવાના પ્રયાસો થાય છે ત્યારે જ્યાં સ્વસ્થ વ્યક્તિને ચેપ લાગવાની સૌથી વધુ સંભાવના હોય છે એવા સરકારી દવાખાનામાં જ વ્યક્તિગત અંતર જાળવી રાખવાની વ્યવસ્થા તંત્રએ ગોઠવી નથી. સરકારી હોસ્પિટલના તંત્રવાહકો આ અંગે ત્વરિત વ્યવસ્થા ગોઠવે તે સમયની માંગ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/