શહીદ વીરોના પરિવારજનો બાદ કોરોના સામેની લડાઈમાં પણ સિરામિક ઉદ્યોગકારોએ અનુદાનની સરવાણી વ્હાવવાનું કર્યું શરૂ મોરબી : કોરોના સામેની લડતમાં સરકારને ઠેર ઠેરથી આર્થિક સહયોગ મળી રહ્યો છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પણ આ લડતમાં આગળ આવીને પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. જેમાં મોરબીના મીલેનિયમ ગ્રુપે પીએમ અને સીએમ ફંડમાં રૂ. 25.62 લાખની માતબર રકમનું અનુદાન કરી પોતાની ઉદારતા દાખવી છે. દેશમાં આવતી કોઈ પણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ હમેશા ઉદારદિલે પોતાનો ફાળો આપ્યો છે. તાજેતરમાં શહીદ વીરોના પરિવારજનોના લાભાર્થે માતબર રકમનો ફાળો આપી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યા બાદ હવે કોરોના સામેની લડતમાં પણ સિરામિક ઉદ્યોગકારોએ બાયો ચઢાવી છે. આજ રોજ મોરબીના મિલેનિયમ ગ્રુપના મનસુખભાઇ કોરડીયાએ પીએમ કેર્સ ફંડમાં રૂ. 20,51,000 તેમજ સીએમ રિલીફ ફંડમાં 5,11,111નો ચેક અર્પણ કર્યો છે. આમ કોરોના સામેની લડાઈમાં સરકારને રૂ. 25.62 લાખનો આર્થિક સહયોગ કરીને સમાજ માટે પોતાની ઉદારતાનો પરચો આપ્યો છે.