જીવનજરૂરી ચીજવસ્તુઓનું કાળા બજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો તંત્રનો નિર્દેશ હળવદ : હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિત લોકો કોરોનાની વૈશ્વિક મહામારી પ્રત્યેક ચિંતિત છે ત્યારે લોકોના આરોગ્ય અને ધ્યાને લઇ લોકડાઉન જાહેર કરાયું છે પરંતુ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ તકેદારી લેવાઈ છે અને બજારમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ વેચવાની છૂટી અપાઈ છે. તેમ છતાં પણ હળવદના અમુક વેપારીઓ અને મેડિકલ સ્ટોર સંચાલકોને કાળા બજારીનું ગ્રહણ લાગ્યું હોય તેમ ઓછું દઇને ઝાઝું રળી લેવાની લાલચે કાળાબજારી કરતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા આવા કોઈપણ કાળા બજારિયાઓ ધ્યાને આવશે તો કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીને પછડાટ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે લોકોને તકલીફ ન પડે તે માટે આવશ્યક તમામ ચીજવસ્તુઓની દુકાનોને આ લોકડાઉનમાંથી બાકાત કરવામાં આવી છે પરંતુ અમુક હળવદમાં અનાજ કરિયાણાના વેપારીઓ અને મેડિકલ સ્ટોર સંચાલકો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કાળાબજારી કરતા હોવાનું સામે આવ્યું છે. જેથી, તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને આવા કાળાબજારી ઓને નાથવા ખાનગી રાહે માણસો ગોઠવ્યા હોવાનું જાણવા મળે છે અને જે કોઈ કાળાબજારી કરતા ઝડપાશે તો તેના ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ તંત્ર જણાવી રહ્યું છે. કાળા બજારી ન કરવા વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલની અપીલ હાલના સમયમાં લોકોને મદદરૂપ થવાની જરૂર છે તંત્ર દ્વારા પણ વેપારીઓને પૂરતો સાથ સહયોગ આપવામાં આવી રહ્યો છે અને આવશ્યક તમામ ચીજવસ્તુઓની હેરફેર માટે તંત્ર વેપારીઓ સાથે જ છે. જેથી, હળવદના તમામ વેપારીઓને અપીલ કરી જણાવું છું કે કોઈપણ જાતનું આવા કપરા સમયે કાળા બજારી ન કરવામા આવે લોકોને મદદરૂપ થઈએ તેમ હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલ એ જણાવ્યું હતું.