લોકો જાગૃત થાય એ માટે પત્રિકાઓ અપાઈ હળવદ : કોરોના વાયરસને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને કોઈપણ જાતની કચાશ ન રહી જાય તે માટે સતત પ્રયત્નશીલ બન્યું છે. ત્યારે હળવદમાં આરોગ્ય વિભાગ એ જુદી જુદી ૧૧૬ ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી ગઈકાલથી ચાલુ કરી દીધી છે. સાથે જ લોકો કોરોના વાયરસથી જાગૃત બને તે માટે પત્રિકાઓ પણ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસને લઈ લોકો ગભરાઇ જ નહીં પરંતુ સાવચેત રહે તેમજ આરોગ્યની તપાસ થાય તેવા હેતુ સાથે હળવદમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ૧૧૬ ટીમો બનાવી હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે હળવદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું કે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રણ દિવસ સુધી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. સાથે લોકો કોરોના વાયરસથી જાગૃત બને તે માટેના વિવિધ જાગૃતતા સંદેશાઓ પણ આપવામાં આવી રહ્યા છે. લોકોના આરોગ્યને લઈને બનાવેલી જુદી જુદી ૧૧૬ ટીમમાં સ્ત્રી આરોગ્ય કાર્યકર, પુરુષ આરોગ્ય કાર્યકર તેમજ હળવદની તમામ આશા બહેનો, આંગણવાડીની બહેનો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.