મૃતદેહને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો : પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામનો યુવક ચાર દિવસ પહેલા ઘરેથી ગુમ થયો હતો. જો કે આ યુવકનુ મોટરસાયકલ, કપડાં અને ઘડીયાળ બ્રાહ્મણી ડેમ કાંઠેથી મળી આવ્યા હતા. જેથી, યુવક ડેમમાં પડ્યો હોવાની આશંકા એ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેવામાં આજે યુવકની લાશને તરવૈયાઓએ ડેમમાંથી બહાર કાઢી હતી. જેથી, મૃતદેહને પી.એમ. માટે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા ભીમાભાઈ દેવાભાઈ સુરેલા (ઉંમર વર્ષ 45) શુક્રવારના રોજ ઘરેથી ગુમ થઈ ગયા હતા. જેથી, તેઓના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેવામાં આ યુવકનું મોટરસાયકલ ઘડિયાળ અને કપડા ગોલાસણ ગામ નજીક આવેલ બ્રાહ્મણી ડેમના કાંઠેથી મળી આવ્યા હતા. જેથી, આ યુવક બ્રાહ્મણી ડેમમાં પડયો હોવાની આશંકાએ બનાવની જાણ હળવદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બ્રાહ્મણી ડેમ ખાતે દોડી આવી યુવક ડેમમાં ખાબક્યો હોવાની આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ચાર દિવસની ભારે મહેનત બાદ આજે યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હાલમાં મૃતક યુવકની લાશને પીએમ માટે હળવદ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવક અકસ્માતે ડેમમાં પડી ગયો હતો કે આપઘાત કર્યો છે. તેમ સહિતની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.