મોરબી : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે મોરબીવાસીઓએ નોવેલ કોરોના વાયરસ COVID-19 ને અટકાવવા નીચે મુજબની સુચનાઓનું (સાવચેતી) પાલન કરવા મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ટ્રાન્સપોર્ટ એસોશીએશન દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના મુજબ બહારથી આવતી ગાડીઓ/વાહનો લોડીંગ-અનલોડીંગ ન થાય તેનું ચુસ્ત પાલન કરવું. મોરબી જિલ્લામાં આવેલ ફેક્ટરીવાળાઓએ પણ શક્ય હોય ત્યાં સુધી સેલીંગ ડીસપ્લે તા. 31/03/2020 સુધી બંધ રાખવા. મોરબી જિલ્લામાં આવેલ સીરામીક ઉદ્યોગોના મજુરોને યુનિટની બહાર બીન-જરૂરી આવન-જાવન પર પ્રતિબંધ મૂકવો. તેમજ માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ કરે તેના પર ભાર મૂકવો. જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓ જેમ કે, શાકભાજી, ફળ-ફળાદી, દૂધ, મેડીકલ જેવી આવશ્યક ચીજોની દુકાનોને બાદ કરતા, અન્ય તમામ દુકાનો તા. 31/03/2020 સુધી સ્વેચ્છાએ બંધ રાખવી. મોરબી જિલ્લામાં આવેલ તમામ ખાણી-પીણીના, પાન-મસાલાના લારી-ગલ્લાઓ જાહેરનામા મુજબ બંધ રાખવા. અન્યથા કાયદેસરની-ફાર્યવાહી હાથ ધરવામાં આવશે.