મોરબી : મોરબીના પાનેલી ગામે રહેતી પરિણીતાએ જાત જલાવીને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસની તપાસમાં મૃતક વારંવાર સાસરિયાનું ઘર છોડી પિયરે આવતી રહેતા આ મામલે ઠપકો આપવાથી લાગી આવતા પરિણીતાએ અપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતી ચેતનાબેન મોહનભાઇ ટીડાણી (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ ગઈકાલે તા.૨૧ ના રોજ પાનેલી ગામે પોતાના ઘરે અગ્નિસ્નાન કરીને જીવનનો અંત આણી લીધો હતો. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે મૃતક પરિણીતા આજથી બે મહીના અગાઉ ઘર છોડી જતા રહેલ હોય ત્યારબાદ ઘરના સભ્યો સમજાવી ઘરે લાવી સાસરે મુકી આવ્યા હતા. અને અવાર-નવાર પીયરથી ઠપકો આપતા તથા ઘર છોડી જવા બાબતે ગામમાં વાતો થતી હોય જે બાબતે મૃતક પરિણીતાને લાગી આવતા જાતેથી પોતાના ઘરે કેરોશીન છાંટી જાત જલાવી લેતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.