મોરબી : મોરબીના શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ઉછીના આપેલ રૂ. 1.35 લાખ પરત માંગતા કરવામાં આવ્યો હતો. હાલમાં એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસેના વિશાલ ફર્નીચર પાસે ભાર્ગવ પલ્લવભાઇ રાવલ (ઉ.વ. 24, રહે. મોરબી શનાળા બાયપાસ, શનાળા ગામ નજીક) તેમજ મોરબીના ખાનપર ગામના યશપાલસિંહ ઘનુભા જાડેજા (ઉ.વ. 22) પર અર્જુનસિંહ ડોડીયા અને ભઇલુ ડોડીયા દ્વારા છરી વડે હુમલો કરાયો હતો. જેમાં બંને યુવકો ઈજાગ્રસ્ત થતા તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે બંનેને બેભાન હાલતમાં રાજકોટ લઇ જવાયા હતા. આ બનાવમાં નોંધાયેલ ફરિયાદ મુજબ હુમલાનો ભોગ બનનાર યશપાલસિંહ ઘનુભા જાડેજા એ મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ ડોડીયાને થોડા સમય પહેલા હાથ ઉછીના રૂ. 1,35,000 રોકડા આપ્યા હતા. જે પૈસાની યશપાલસિંહને જરૂર પડતા અર્જુનસિંહ પાસે પૈસા પાછા માંગ્યા હતા, જેથી, અર્જુનસિંહે હાલ મારી પાસે પૈસા નથી વધુ સમય આપો એમ કહ્યું હતું પરંતુ પોતાને પૈસાની જરૂર હોય યશપાલસિંહે પૈસા પરત આપી દેવાનું કહેતા ઉશ્કેરાય જઇને ભઇલુ ડોડીયાની મદદથી ફરિયાદી યશપાલસિંહ અને ભાર્ગવ પલ્લવભાઇ રાવલને જાનથી મારી નાંખવાના ઇરાદે હુમલો કર્યો હતો. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરુ કરી છે.