'સર્વે જન સુખાય ,સર્વે જન હિતાય' ના સૂત્રને સાર્થક કરતો હળવદનો બ્રહ્મ સમાજ હળવદ : કોરોના વાયરસને ધ્યાનમાં રાખી વાતાવરણ શુદ્ધિ અર્થે અને વિશ્વ કલ્યાણ અર્થે છોટે કાશી તરીકે જગવિખ્યાત હળવદ શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈને આખું જગત હેરાન પરેશાન છે ત્યારે વાતાવરણ શુદ્ધિ માટે ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે કોરોના ઇફેક્ટને ધ્યાનમાં લઈને છોટેકાશી તરીકે જગવિખ્યાત હળવદ શહેરની મધ્યે આવેલ શ્રી ગાયત્રી માતાજીના મંદિર ખાતે હળવદ બ્રહ્મસમાજ દ્વારા વાતાવરણ શુદ્ધિ માટે અને વિશ્વ કલ્યાણ અર્થે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સાંસ્કૃતિક પહેરવેશ ધારણ કરી સર્વે ભૂદેવોએ મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કરી યજ્ઞ દેવતાને આહુતિ અર્પી મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. વિશ્વમાં વર્તમાન પરિસ્થિતિ જે છે, તે ટૂંક સમયમાં સાધારણ પરિસ્થિતિ થાય અને જ્યારે આખું વિશ્વ કોરોના વાયરસની લપેટમાં સપડાયેલ છે ત્યારે 'સર્વે જન સુખાય, સર્વે જન હિતાય' વસુદેવ કુટુંબ કમની ઉમદા ભાવના સાથે હળવદમાં મહાયજ્ઞનું અયોજન કરાયું હતું. આ યજ્ઞમાં કપૂર, ગુગળ, ગાયનું ઘી, આંકડો, ખાખરો, ખેર અને ખીજડો (સમીધ) અડાયા છાણાંની આહુતિ આપી આસપાસના વિસ્તારમાં ફરતા જીવલેણ જીવાણુંનો નાશ થાય તેમજ આ વાયરસથી મૃત્યુ પામેલ જીવના કલ્યાણ અર્થે આ મહાયજ્ઞનું આયોજન હળવદ બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હળવદના સર્વે સમાજએ બ્રહ્મ સમાજની આ પહેલને આવકારી અને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ બ્રહ્મસમાજના સર્વે વડીલો અને યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.