હળવદ : વિશ્વમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ અત્યાર સુધી ૧૩ કેસો નોંધાયા છે અને મોરબી જિલ્લામાં પણ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ હળવદના તમામ વ્યાપાર ધંધા સંચાલકોએ સ્વયંભૂ બંધ પાળી અને સહકાર આપ્યો હતો. આજે હળવદની મુખ્ય બજારો સુમસામ જોવા મળી હતી. આવશ્યક સેવાઓમાં દવાખાના અને મેડિકલ સ્ટોરની સેવાઓ હાલમાં કાર્યરત છે. આવશ્યક સેવાઓ સિવાય હળવદ સજ્જડ બંધ રહ્યું ત્યારે હળવદના લોકો કોરોના વાયરસ અંગે જાગૃત છે, તેવું ફલિત થયું હતું. હળવદ પોલીસ પણ સતત પેટ્રોલિંગ દરમિયાન સરકારની સૂચના મુજબ પાલન કરાવતા જોવા મળી રહ્યા હતા. મેડિકલ સ્ટોર પર માસ્ક અને સેનેટેરાઈઝર લેવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ નાના બાળકો અને વડીલો સાવચેતી રાખે, તેવી તંત્રની ગાઈડલાઈન છે. કોઈને શંકાસ્પદ કેસ ધ્યાનમાં આવે તો સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 104માં જાણ કરવા જાહેર જનતાએ સંપર્ક કરવાનો રહેશે.