ઇજાગ્રસ્ત ત્રણેય બાઇક સવારોને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા ટંકારા : ટંકારાના ખાખી મંદિર નજીક ત્રિપલ સવાર બાઈક ચાલકોનો ટ્રક સાથે અકસ્માત થતા ઘાયલ બાઇક ચાલકોને પ્રથમ ટંકારા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. બનાવને પગલે ટ્રાફિકજામ થતા ટંકારા પોલીસે ઘટના સ્થળે ઘસી જઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ખિજડીયા ચોકડીથી આગળ આવેલ ખાખીની જગ્યા સામે બપોરના સુમારે ટ્રક અને મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કલ્યાણપર ગામના ત્રણ મિત્રો હાર્દિક ભાગિયા, કૃણાલ પટેલ અને જય કગથરાને ઈજા પહોંચી હતી. ત્રણેય મિત્રો કલ્યાણપર ગામના રહેવાસી છે અને જમવા માટે હોટલે જતા હતા એ દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે રાજકોટ- મોરબી રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને મઢુલી વાળાએ પોતાના ખાનગી વાહનમાં તાત્કાલિક ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતા તમામને રાજકોટ ખસેડાયા છે. ઘાયલ યુવકોને પગ તથા માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં કલ્યાણપરના સરપંચ દિનેશભાઈ વાધરિયા, ભગવાનજીભાઈ ઢેઢી, સ્ટાર ફેક્ટરીના માલીક સહીતનાઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.