મોરબી : વૈશ્વિક મહામારી જાહેર થઈ ચુકેલી કોરોનાની બીમારીને ભારતમાં વધુ ફેલાતી રોકવા અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા રાષ્ટ્રજોગ સંદેશો આપી 22 માર્ચને રવિવારે જનતા કરફ્યુનું એલાન જાહેર કરી તેને સમર્થન આપવા અપીલ કરી હતી જેને ઠેરઠેરથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે ત્યારે વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી મોરબીની અજંતા ઓરેવા કંપનીએ પણ વડાપ્રધાનના આહવાનને સમર્થન આપતા રવિવારે અજંતા કંપની સંપૂર્ણ રજા પાડશે. રવિવારે જાહેર થયેલા જનતા કરફ્યુમાં જોડાવવા લોકોએ મન બનાવી સ્વયંભૂ તૈયારીઓ કરી લીધી છે ત્યારે મોરબીની અજંતા કંપનીએ પણ 22 તારીખને રવિવારે તેની તમામ કામગીરીને એક દિવસનો વિરામ આપવાનું નક્કી કર્યું હોવાનું કંપનીના એમડી જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું. આથી રવિવારે કંપનીમાં કાર્ય કરતી હજારો મહિલાઓ, યુવતીઓ સહિત તમામ સ્ટાફ જનતા કરફ્યુના સમર્થનમાં ઘેર રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કરફ્યુના આહવાનને જબરું લોક સમર્થન મળી રહ્યું હોવાથી કોરોના વાઇરસની લડાઈ માટે તંત્રને પણ બળ મળશે અને વિશ્વના અન્ય દેશો જેવી પરિસ્થિતિમાંથી ભારતને પસાર નહિ થવું પડે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.