મોરબી : કોરોનાની દહેશત વચ્ચે મોરબી જિલ્લાની અનેક ગ્રામપંચાયતોએ જાગૃતિ બતાવીને નોટિસો જાહેર કરી છે. જેમાં મોરબી તાલુકાની રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ નિતિક્ષાબેન મારવાણીયા તથા માળિયા તાલુકાની ઘાંટીલા ગ્રામ પંચાયતમાં સરપંચ સી.એલ.વિડજા તેમજ ટંકારા તાલુકાની હમીરપર ગ્રામ પંચાયતમાં સરપંચ બાબુભાઇ રૈયાણી દ્વારા નોટિસ જાહેર કરીને થૂંકબાજો ઉપર રૂ. 500ના દંડની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ વેચવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે રાજપર અને ઘાંટીલા ગ્રામપંચાયત દ્વારા તો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ વેચનારા ઉપર રૂ. 5000નો દંડ પણ રાખવામાં આવ્યો છે. આવી જ રીતે ટંકારાના નાના ખીજડિયા ગ્રામ પંચાયતે પણ જાહેર નોટિસ ઇસ્યુ કરીને જાહેરમાં થૂંકવા કે ધુમ્રપાન કરવા ઉપર રૂ. 500નો દંડ રાખ્યો છે.