હળવદ : ઇલેક્ટ્રિક બીલની બાકી નીકળતી રકમ વસૂલવા ગયેલા પીજીવીસીએલના કર્મચારી પર બે શખ્સોએ ગાળો આપી લાકડી વડે હુમલો કરતા કર્મચારીએ ફરજમાં રુકાવટ અને હથિયારબંધી ભંગ સહિતની કલમો હેઠળ હળવદ પો.મથક.માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ખાતે પીજીવીસીએલમાં સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા અને મોરબીમાં જ ઉમા ટાઉનશીપ રોડ સ્થિત અનંતનગર સોસા. બ્લોક નંબર 2માં રહેતા 52 વર્ષીય મહાવીરસિંહ લાલુભા ઝાલા હળવદના ઇશ્વરનગર ગામે રામજી મંદિર નજીક આરોપી પાસેથી પીજીવીસીએલની બાકી નીકળતી રકમ વસૂલવા માટે ગયા ત્યારે મનસુખભાઇ ઉર્ફે મનસુખ ડુંગરી મગનભાઈ રૈયાણી તથા તેના પુત્ર વિશાલ મનસુખ રૈયાણીએ પહેલા તો ફોનમાં ગાળો આપી બાદમાં લાકડી વડે હુમલો કરી દેતા ફરિયાદીને હાથની આંગળીઓમાં ફેક્ચર અને આંખ પાસે ઇજા પહોંચાડી હતી. આ બનાવની ફરિયાદ મહાવીરસિંહે હળવદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપી એવા બન્ને પિતા-પુત્રને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. બનાવની વધુ તપાસ હળવદ પો.મથકના હેડ.કોન્સ. એ.એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે.