મોરબી : મોરબીમાં ગઈકાલે કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયાને પગલે તંત્ર હરકત આવ્યું છે અને કોરોના વયરસને પગલે ભીડનું જોખમ ટાળવા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને મોરબીની મામલતદાર કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં સરકારી કચેરીમાં આવતા લોકોનું સેનીટાઇઝેશન કરવામાં આવે છે. ભીડનું જોખમ ટાળવા માટે મામલતદાર કચેરીનો મેઈન ગેઇટ જ ખુલ્લો રખાયો છે અને બાકીના તમામ ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ એક એક વ્યક્તિને જ પ્રવેશ અપાઈ છે. એ પણ સેનીટાઇઝેશન કરીને કચેરીમાં અંદર આવવા દેવાઈ છે. ઉપરાંત, તમામ સરકારી કચેરીઓમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે સબ રજિસ્ટ્રાર કચેરી હોય તો તેમાં અરજદાર અને વકીલ એમ બે વ્યક્તિને જવાની સૂચના અપાઈ છે. આ રીતે સરકારી કચેરીઓમાં બે થી વધુ વ્યક્તિઓને પ્રવેશ કરવો નહિ તેવી સૂચના આપી દેવામાં આવી છે. આજથી સરકારી કચેરીઓમાં સેનીટાઇઝર કર્યા વગર પ્રવેશ ન આપવાનો ફરજિયાત નિયમ લાગુ કરવામાં આવ્યો છે.