વાંકાનેર : વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિક જામ તેમજ દેશી વિદેશી દારુ અને વરલી મટકાની ખુલ્લેઆમ દુકાનો ધમધમી રહી છે. વાંકાનેર શહેર પોલીસ સુષુપ્ત અવસ્થામાં હોય તેવું પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે. અવારનવાર દારૂ પીને ફટકા બનેલ લોકો જાહેરમાં તમાસો કરતાં પ્રજાજનો જોઈ રહ્યા છે પરંતુ પોલીસ ચોપડી સબ સલામતના ગાણા ગવાઈ રહ્યા છે. વાંકાનેરના સામાજિક મહિલા અગ્રણીને દેશી દારૂના દૂષણ અંગે અવારનવાર મહિલાઓ દ્વારા રજૂઆતો મળતી જેના સંદર્ભે મહિલા અગ્રણી જીજ્ઞાબેન મેર દ્વારા પોલીસ તંત્રને દારૂના દૂષણમાંથી મુક્તિ અપાવવા મૌખિક રજૂઆતો કરેલ પરંતુ પોલીસ દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતાં આજે વાંકાનેરની પ્રજાના સુખાકારી માટે મહિલા અગ્રણી જીજ્ઞાશાબેન મેર દ્વારા વાંકાનેર શહેરમાં આવેલ કુંભારપરા ખાતે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડી મોરબી જિલ્લા પોલીસ વડાને આ બાબતની જાણ કરવામાં આવતાં વાંકાનેર સીટી પોલીસ મથકના સ્ટાફને પગ તળે રેલો આવેલ. શું વાંકાનેર શહેર પોલીસની ફરજ નથી કે આવા ખુલ્લેઆમ ચાલતા અડ્ડા બંધ કરાવે? જ્યારે એક મહિલા અગ્રણી દ્વારા આવું હિંમતભર્યું પ્રજા માટે કામ કરવામાં આવ્યું ત્યારે વાંકાનેરના અન્ય અગ્રણીઓ ટયારે આવા પ્રજાના કામો માટે આગળ આવશે તેવું વાંકાનેરની જનતા કહિ રહી છે. આ બાબતે જીજ્ઞાશાબેન મેર દ્વારા જણાવવામાં આવેલ છે કે દેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરે તેમણે જણાવેલ કે વાંકાનેર શહેર પોલીસને દારૂનું વેચાણ કરવા માટે દર મહિને ૨૫ હજારનો હપ્તો આપવામાં આવે છે જો મોરબી જિલ્લા પોલીસ વડા તે બાબતની ખરાઇ કરે તો વાંકાનેર શહેરમાં ધમધમતા દેશી દારૂના વેચાણમાં ક્યાં પોલીસ કર્મચારીની મહેરબાની છે તે ખુલવા પામશે.