રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અપાયેલા મીતાણા ખાતે સ્ટોપના આદેશનો ભંગ મોરબી : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ-મોરબી ઇન્ટરસીટી ST બસનો મીતાણા ખાતે સ્ટોપ આપવામાં આવેલ હોવા છતાં તે આદેશનો ST તંત્ર દ્વારા અમલ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. થોડા દિવસો પહેલા સખપર, નેકનામ, ધ્રોલીયા, રોહિશાળા, મીતાણા, પ્રભુનગર, દહીંસરડા, વિરવાવ, ગણેશપર, વાછકપર, બેડી, ઉકરડા અને ટંકારા ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટ-મોરબી વચ્ચે ચાલતી ઇન્ટરસીટી ST બસનો સ્ટોપ માત્ર ટંકારા શહેરને જ આપવામાં આવેલ છે. પરંતુ આ હાઇવે પર આવેલ મીતાણા ચાર રસ્તાને સ્ટોપ આપવામાં આવે. જેથી, આજુબાજુના 14 ગામોના આશરે 50,000 લોકોને તેનો લાભ મળી શકે. ગામલોકોની આ માંગ સ્વીકારીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ-મોરબી ઇન્ટરસીટી સર્વિસને મીતાણા ચાર રસ્તા ખાતે સ્ટોપ આપવામાં આવેલ છે. તેમજ આ અંગે વિભાગીય નિયામક, રાજકોટને હુકમની અમલવારી માટે જરૂરી સૂચના આપવામાં આવેલ છે. છતાં ST તંત્ર દ્વારા તેનો અમલ કરવામાં ન આવતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ તે માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે.