માર્ચ એન્ડિંગના સમયે કરવેરાની વસુલાત કરવા તંત્ર આકરા પાણીએ : બાકી કરવેરાની વસૂલાત માટે આસામીઓને નોટિસો ફટકારાઇ મોરબી : મોરબીમાં છેલ્લી ઘડીએ માર્ચ એન્ડીગના સમયે પાલિકાનો ટેક્સ વિભાગ કરવેરાની આકરણી માટે ઊંધા માથે થયું છે. આસમીઓ પાસેથી બાકી કરવેરાની વસુલાત કરવા માટે ધડાધડ નોટિસો ફટકારીને કરવેરાની આકરી વસુલાત કરી રહ્યું છે. પાલિકાના ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રૂ. 23.50 કરોડમાંથી રૂ. 9.33 કરોડના હાઉસ ટેક્સની આકરાણી થઈ છે. આ ઉપરાંત, બાકી વ્યસાયવેરાની 94 ટકા જેવી વસુલાત થઈ ચૂકી છે. મોરબી પાલિકાનું ગત એપ્રિલ માસ 2019માં નવું નાણાકીય વર્ષ શરૂ થયા બાદ બાકી પાલિકાનો ટેક્સ વિભાગ બાકી કરવેરાની વસુલાતમાં ઢીલી નીતિ દાખવ્યા બાદ માર્ચ એન્ડીગનો સમય આવતા જ ટેક્સ વિભાગ છેલ્લી ઘડીએ હરકતમાં આવ્યો હતો અને પાલિકાના ટેક્સ વિભાગે છેલ્લી ઘડીએ બાકી વ્યવસાય વેરાની વસુલાત કરવા ભારે કમર કસી છે. બાકી કરવેરાની વસુલાતની વિગતવાર માહિતી આપતા પાલિકાના ટેક્સ વિભાગે જણાવ્યું હતું કે બાકી કરવેરાની વસુલાત કરવા માટે ટેક્સ વિભાગ આકરા પાણીએ થયું છે અને બાકી કરવેરાની કડક ઉઘરાણી કરવા માટે ધડાધડ નોટિસો ઇસ્યુ કરી હતી. જ્યારે પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા રૂ. 23.50 કરોડમાંથી રૂ. 9.33 કરોડના હાઉસ ટેક્સની આકરાણી થઈ છે. આમ, હાઉસ ટેક્સની અત્યાર સુધીમાં 39.66 ટકા જેવી જ વસુલાત થઈ છે. જ્યારે ગયા વર્ષે હાઉસ ટેક્સની 50 ટકાથી વધુ વસુલાત થઈ હતી. ત્યારે હવે ટેક્સની વસુલાતમાં સમય બહુ જ ઓછો બાકી હોય તંત્ર હાઉસ ટેક્સની બાકી આકરાણી વસૂલવા સફળ થશે કે કેમ તે જોવું રહ્યું. જ્યારે અત્યાર સુધીમાં વ્યવસાયવેરામાં 1 હજાર જેટલી બાકી કરદાતાઓને નોટિસો ફટકારી હતી. વર્ષ 2019 એપ્રિલથી આજ સુધીના બાકી રૂ.1.40 કરોડમાંથી રૂ.1.10 કરોડના બાકી વ્યવસાયવેરાની વસુલાત થઈ ચૂકી છે. ત્યારે બાકી વ્યવસાયવેરાની વસુલાત કરવા ટેક્સ વિભાગ ભારે મથામણ કરી રહ્યું છે.