ગેરરીતિના બનાવમાં વિજિલન્સ તપાસ ન થતા રોષે ભરાયેલા ચેરમેને પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ મૂક્યું રાજીનામું મોરબી : મોરબી પાલિકા ભ્રષ્ટાચારમાં ખદબદતી હોવાના આક્ષેપ સાથે આજે સેનિટેશન વિભાગના ચેરમેને રાજીનામુ ધરી દીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ બનાવથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.સેનિટેશન વિભાગના ચેરમેને રાજીનામાં મુકવાની સાથે અધિકારીઓ ઉપર ગેરરીતિના ધગધગતા આક્ષેપો પણ કર્યા છે. મોરબી પાલિકામાં અગાઉ ગાજેલા ભ્રષ્ટાચારના પ્રકરણમાં સેનિટેશન વિભાગના ચેરમેન અશોકભાઈ વી.કાંજીયાએ વિજિલન્સ તપાસની માંગ ઉઠાવી હતી. જો કે હજુ સુધી વિજિલન્સ તપાસ ન થતા રોષે ભરાયેલા ચેરમેને આજે રાજીનામું ધરી દીધું હતું. રાજીનામુ મંજુર કરવા તેઓએ પ્રમુખ અને ચીફ ઓફિસરને પત્ર લખ્યો હતો તેમાં ખુલ્લા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં જણાવાયું હતું કે તેઓએ વિજિલન્સ તપાસ માંગી હતી. પરંતુ પાલિકા કચેરી અને પ્રાદેશિક કચેરીની સાંઠગાંઠથી તપાસ ગોકળગતિએ ચલાવવામાં આવી રહી છે. જેનું પરિણામ શૂન્ય જણાઈ છે. વધુમાં કહ્યું હતું કે પેધી ગયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચારની ભરમાર ચાલી રહી છે. ચૂંટાયેલા પદાધિકારીઓની સતત અવગણના તેમજ તેઓની સાથે અશોભનીય વાણી વર્તનથી તેઓ ત્રસ્ત થયા છે. આ બધાના કારણે મોરબીના પ્રાણ પ્રશ્નોને સફળતા મળતી નથી. રોજમદાર કર્મચારીઓના પગાર, ખર્ચાઓ તેમજ વાહન ખર્ચાઓ સ્વંભંડોળમાંથી વાપરીને બેફામ ગેરરીતિ આચરવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાન સમિતિ છેલ્લા 9 માસથી સ્વખર્ચે સ્વચ્છતા ઝુંબેશ ચલાવતી હોવા છતાં જુદા જુદા બહાના હેઠળ રોજમદાર કર્મચારીઓનું રેકર્ડ ઉભું કરી મસમોટી લાખો રૂપિયાની ચુકવણી અધિકારીઓ પદાધિકારીની જાણ બહાર કરી દયે છે. ઉલ્લેખનિય છે કે ચેરમેનના આ ધગધગતા આક્ષેપોથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જો કે બીજી બાજુ પાલિકાના ચેરમેન કેતન વિલપરાએ આ મુદ્દે એવું કહ્યું કે સેનિટેશન વિભાગ એમનો છે. આ વિભાગ તેમને જ ચલાવવાનો હોય છે. તેમને ચલાવતા આવડતું ન હોય એટલે આવા આક્ષેપો કરે છે. વિજિલન્સ તપાસ માટે રિજનલ કમિશનરને રજુઆત કરી દેવાય છે. ત્યાંની કક્ષાએ આ તપાસનો મુદ્દો પેન્ડિંગ પડ્યો છે.