કેદીઓને કોરોના વાઇરસ પ્રત્યે સાવચેતી માટે કર્યા જાગૃત મોરબી : કોરોના વાઇરસ પ્રત્યે સાવધાની રાખવા મોરબી આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતના સ્ટાફે મોરબી સબ જેલની વિસ્તૃત મુલાકાત લીધી હતી. અહીં તેઓએ જેલના કેદીઓ તેમજ જેલકર્મીઓને વ્યાપક બનેલા કોરોના વાઇરસના પ્રકોપથી બચવાના ઉપાયો, લક્ષણો અને રાખવી પડતી સાવધાની અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. સી.એલ. વરોડીયા સહિતની ટીમે આજે મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી. કોરોના વાઇરસ કઈ રીતે ફેલાય છે, તેના લક્ષણો ક્યા ક્યા હોય છે, વાઇરસના ચેપથી બચવા અને ચેપ વધુ ન ફેલાય એ બાબતે રાખવી પડતી સાવધાની, સ્વચ્છતા અંગેની સમજણ સહિતની વિસ્તૃત માહિતી જેલના કેદીઓ તેમજ જેલકર્મીઓને આપી હતી. આ ઉપરાંત જેલના વિવિધ વિભાગો અને કેદીઓ માટે બનાવવામાં આવેલી બેરેકોનું નિરીક્ષણ અને જાત ચકાસણી કરી હતી. અહીંની વ્યવસ્થા અને સ્વચ્છતાને લઈને આરોગ્ય અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આવનારા દિવસોમાં આયુર્વેદિક વિભાગને જેલમાં તમામ કેદીઓ સહિતના સ્ટાફને દેશી ઉકળાનું વિતરણ કરવાની આરોગ્ય અધિકારી કતીરાએ સૂચના આપી હતી. જેલર એલ.વી.પરમારે કેદીઓને મળવા વધુ લોકો ન આવે એવી ટકોર કરતા જણાવ્યું હતું કે મળવા આવેલા લોકો દ્વારા કોરોના વાઇરસ, શરદી ઉધરસ, તાવ, ફલૂ સહિતના વાઇરસનું ઇન્ફેક્શન જેલમાં ન ફેલાય એની તકેદારી રાખવા માટે આ જરૂરી છે. આ તકે ડોક્ટરો દ્વારા જેલના તમામ કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.