મોરબી : ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા (મીં) ના દરિયાકાંઠાના કોસ્ટલ હાઇવે બાંધવા સોલ્ટ સેસમાંથી માળીયા (મી) થી ઝાઝાસર, બગસરા, વાવાણિયા, નવલખી સુધીનો રણકાંઠે રસ્તો બાંધવા બાબતે પ્રશ્ન પૂછેલો હતો. જે અન્વયે સોલ્ટ સેસ કમિશ્રર કે જે ભારત સરકાર હસ્તક છે તે નાણાંથી કરી શકાય એવો પ્રત્યુતર મીઠા ઉદ્યોગ મંત્રી એ આપ્યો હતો. આ ઉપરાંત, મોરબી જીલ્લામાં તા. 31/12/2019 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નિરાધાર વિધવાઓને આર્થિક સહાય અંગે ધારાસભ્યએ પ્રશ્ન પૂછેલો હતો. જેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ એમ જણાવેલું કે સને 2018 માં 435 અને સને. 2029 માં 3175 વિધવા સહાયની અરજીઓ મળી છે. જે પૈકી મોરબી જીલ્લામાં 2019 માં 275 માંગણીઓ નામંજૂર કરી છે. તેના કારણો બાબતે ધારાસભ્યએ પેટા પ્રશ્ન કરતાં અરજી ફોર્મ સાથે પુરાવા વિગતો અધૂરી હોવાથી, આવક વધુ હોવાથી, પુનઃ લગ્ન કરેલ હોવાથી, આવક વધુ હોવાથી આવી માંગણીઓ મંજૂર કરી શકાયેલ નથી. વધુમાં, ધારાસભ્યએ લાભાર્થીઓને આવી વિધવા સહાય નિયમિત ચૂકવાય તે માટે પ્રતિમાસ સમયસર આવી માંગણીઓ ગ્રાહ્ય રાખવામા આવશે, એમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ ધારાસભ્યને જણાવ્યું હતું. વધુમાં, ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગૌ સેવા અને પાંજરાપોળના પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતા પેટા પ્રશ્ન કરીને જાણવા માંગ્યું હતું કે મોરબીનું પાંજરાપોળ વેલજીભાઈ ઉઘરેજાના વડપણ હેઠળ ખૂબ સારું કામ કરી રહ્યું છે. તે જોતાં મુખ્યમંત્રીએ “મનની મોકળાશ' વખતે મોરબી પાંજરાપોળની સહાય બાબતે જે રજૂઆત થયેલ, તે અંગે યાદ અપાવીને તાકીદે સહાય કરવા ધારાસભ્યએ માંગણી કરી હતી. આમ, મોરબીના વિવિધ પ્રશ્નો બાબતે ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા વિધાનસભામાં રજૂઆત કરવામાં આવેલી હતી.