મોરબી : પ્રોપટી ઉપર બેન્કના બોજની એન્ટ્રી કરવાની તથા બોજો પૂરો થયે રદ કરવાની પધ્ધતિમાં સુધારો કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી છે. હાલમાં બેન્કમાંથી લોકો કોઈ પણ પ્રકારનું ધિરાણ મેળવે છે ત્યારે જે પ્રોપટી ઉપર ધિરાણ લેવામાં આવે છે તે, તેમજ વધારાની સિક્યુરિટી તરીકે જે પ્રોપટી મૂકવામાં આવે છે ત્યારે જે તે બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. બેન્ક દ્વારા જે તે પ્રોપટી મોર્ગેજ કરાય છે તેની નોંધ રેવન્યુ ખાતામાં જે તે પ્રોપટીના પેપરોમાં બોજો લખવાની પધ્ધતિ છે. જે બોજાની જે તે બેન્ક દ્વારા એન્ટ્રીઓ પડાવવામાં આવતી હોય છે. જ્યારે આવી લોન ભરપાઈ થઈ જાય છે ત્યાર બાદ આની એન્ટ્રી રદ કરવવા માટે આ બેન્કો કોઈ જાતની કાર્યવાહી કરતી હોતી નથી અને પ્રોપટી માલિકના રેવન્યુ રેકોર્ડમાં આ બોજા તરીકેની એન્ટ્રી બોલતી હોય છે. પરંતુ જ્યારે પ્રોપટી માલિકને આ પ્રોપટીનું વેચાણ કરવા નું થાય કે વારસાઈ એન્ટ્રી કરવાની થાય છે ત્યારે આ માલિકે બેન્કમાં નો ડ્યુના દાખલા લેવા માટે ધક્કા ખાવા પડતાં હોય છે. અમુક બેન્કો તો આવા નો ડ્યુના દાખલ આપવાના પૈસા પણ વસૂલ કરતી હોય છે. આવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ વાહન ઉપર લોન મેળવે છે ત્યારે આ બોજાની નોંધ R.C. બુકમાં કરવામાં આવતી હોય છે. અને તેને પણ આ બોજાની નોંધ રદ કરાવવા R.T.O. ઓફિસે ધક્કા ખાવા પડતાં હોય છે. જેમ બેન્કના કહેવાથી રેવન્યુ રેક્ડમાં કે RTOમાં બોજાની નોંધ કરવામાં આવે છે તેવી જ રીતે બેન્કે જ આ બોજો રદ કરવા માટેની કાર્યવાહી કરવી જોઈએ એવા આદેશો બહાર પાડીને બેન્કોને બોજો રદ કરવાની જવાબદારી ફરજિયાત કરવા કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. આ પ્રથાને કારણે જે લોકો હેરાન થાય છે તેને રાહત થશે અને બેન્કોના લેટરથી જે તે વિભાગમાં જેમ બોજો લખવામાં આવે છે અને ત્યાર બાદ બોજો રદ કરવામાં આવે તેથી લોન લેનાર ઉપર જે વધારાનો નાણાકીય જવાબદારી તેમજ ધક્કા ખાવા પડે છે, સમય બરબાદ થાય છે તેમાથી મુક્તિ મળશે તેવું અંતમાં કે.ડી.બાવરવાએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે.