બાળાઓ અને સગીરાઓ પર વધતી દુષ્કર્મની ઘટનાઓ અંગે પણ ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી : પાછલા 9 વર્ષોમાં 5 દુષ્કર્મની ઘટના સામે 2019ના ગત એક વર્ષમાં જ 15 ઉત્તપીડનના બનાવો સામે આવ્યા મોરબી : ચાલુ વિધાનસભાના સત્ર દરમ્યાન મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે પ્રશ્નો પૂછીને અત્યાર સુધીની સ્થિતિ અંગે જાણકારી માંગી હતી. જેનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંકડાકીય માહિતી સાથે પ્રત્યુત્તર આપ્યો હતો. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ગૃહમાં પ્રશ્નો ઉઠાવીને માહિતી માંગી હતી. જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, કુલ 2542 અરજીઓ આવાસ યોજના માટે મળી છે. જે પૈકી 680 અરજીઓ મંજુર કરાઈ છે જ્યારે 1516 અરજીઓ નામંજૂર થઈ છે. જ્યારે બીએલસી ઘટક હેઠળ 311 અરજીઓ મંજુર થઈ છે અને 35 અરજીઓ નામંજૂર થઈ છે. કુલ મળીને 1551 માંગણીદારો સામે 991 માંગણીઓ ગ્રાહ્ય રાખી છે. બાકીના વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. ધારાસભ્ય મેરજાના અન્ય એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 18 સુધી મોરબી જિલ્લામાં 14 દુષ્કર્મના બનાવો બન્યા હતા. જ્યારે 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 19 દરમ્યાન મોરબી જિલ્લામાં દુષ્કર્મના 20 બનાવો સામે આવ્યા હતા. વધુ ચોંકાવનારી બાબત સામે આવી છે કે જાન્યુઆરી 2010થી ડિસેમ્બર 2018 સુધી 06થી 18 વર્ષની પાંચ બાળાઓ અત્યાચારનો ભોગ બની છે. પાછલા 9 વર્ષના સમય ગાળા દરમ્યાન જ્યારે પાંચ બાળાઓ ઉત્તપીડનનો ભોગ બની હતી જેની સરખામણીમાં 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી એક વર્ષના સમયગાળા દરમ્યાન 6થી 18 વર્ષની ઉંમરની 15 બાળાઓ ઉત્તપીડનનો ભોગ બની હતી. જે આંકડો અત્યંત ચોંકાવનારો છે. મોરબી જીલ્લાના આ 15 કેસોમાં માત્ર 3 શખ્સોને જ પકડવામાં આવ્યા છે. ધારાસભ્ય મેરજાએ મોરબી પંથકમાં બાળાઓ સાથે વધતી અત્યાચારની ઘટનાઓ અંગે ગૃહમાં ચિંતા વ્યક્ત કરી હતી.